મંચ પર અંધારું છે, દર્શકોને મંચ જેવી દેખાતી જગ્યામાં ઊભેલા થોડા લોકોની છાયા દેખાય છે. "વર્ષોવર્ષ નદીના પ્રવાહ સાથે પહાડો પરથી વહી આવેલી કાંપની માટીના થર દરિયા કિનારાની સમાંતર જામીને સ્થિર થાય છે, જે બેકવોટર્સમાં ટાપુઓ બનાવે છે." પૃષ્ઠભૂમિમાં એક અવાજ કેરળમના (પહેલાં કેરળ કહેવાતું) એર્નાકુલમના દરિયાકાંઠાના ગામડાઓની જમીન અને ઇતિહાસનો પરિચય કરાવે છે. લોકોની છાયાઓ પાછળ દર્શવાતા દોરેલા ચિત્રો, 1341 સીઈમાં જ્યારે આ સ્થળ ઐતિહાસિક બંદર શહેર મુઝિરિસનો ભાગ હતું ત્યારથી શરૂ કરીને, આ સ્થળનો ઇતિહાસ વર્ણવે છે.
મંચ પર ઝાંખું અજવાળું થતા આપણે એક ઘરની સામે પૂરગ્રસ્ત શેરીમાં ઘૂંટણસમાણાં પાણીમાં ચાલતા દસ પાત્રોને જોઈએ છીએ. મંચ પરથી રેલાતું સંગીત, પૃષ્ઠભૂમિમાં વાગતી સાયરન જેવું વધુ લાગે છે, જેમ જેમ એ સંગીત વધુ તીવ્ર થતું જાય છે તેમ તેમ એ દસ પાત્રો ભીના, સુસ્ત પગલે, એક ફુટ પાણી ખૂંદતા દર્શકો તરફ આગળ વધે છે. એમના એક એક પગલે મંચ ઉપર પાણી હિલોળા લે છે.
શૈલજા કે. એસ. મંચ પરના દસ કલાકારોમાંના એક છે. આ નાટકનું નામ ચેવિતોર્મા છે - આ એક સ્થાનિક કેથોલિક ધાર્મિક વિધિનું નામ છે જેમાં મરણ પથારીએ પડેલી વ્યક્તિના કાનમાં પ્રાર્થના કરીને તેને સાંત્વના આપવામાં આવે છે. આ નાટકમાં અભિનય કરતા બીજા તમામ કલાકારોની જેમ શૈલજાને પણ અભિનયનો કોઈ અનુભવ નથી. હકીકતમાં, આ સામુદાયિક રંગભૂમિ એક એવી જગ્યા છે જે તેમને માટે વાસ્તવિકતા અને કલ્પના વચ્ચેનો તફાવત એટલો તો ઓછો કરી દે છે કે એ કલ્પના છે કે હકીકત એ નક્કી કરવું મુશ્કેલ બની જાય છે.
“મેં ઘણીવાર મારી માને કહેતી સાંભળી છે કે બાળપણમાં હું તોફાની હતી. ના, માત્ર તોફાની નહીં, તોફાની બારકસ. તે દિવસોમાં મા વાર્તાઓ કહીકહીને મને ખાવા માટે પટાવતી હતી. અદ્દભૂત સુગંધ અને ગરમ ભાત, કોપરેલના થોડાં ટીપાં અને મીઠું એકસાથે બધું એકસાથે ભેગું કરીને મોઢામાં પાણી આવી જાય એવો સ્વાદ …! અને પછી, જ્યારે હું લગભગ 12 કે 13 વર્ષની હતી, ત્યારે એક જ્યોતિષીએ ઘેર આવીને મારો હાથ જોઈને કહ્યું, ‘આ છોકરી એક દિવસ એ ઘરને ખાલી કરી નાખશે. મીઠાનો છેલ્લો કણ પણ લઈ લેશે!’ હું આ વાતથી હેરાન હતી. શું હું ક્યારેય આવું કરું ખરી? પણ બધા હસ્યા.
“વર્ષો પછી. 2018 માં મારી મા મારી સાથે હતી. એ બિચારી ફક્ત થોડા દિવસ માટે જ રહેવા આવી હતી." મીઠાની બરણી હાથમાં પકડીને શૈલજા તલ્લીન થઈ ગયેલા પ્રેક્ષકોને પૂર પછી તરત જ તેમણે પોતાની માતા શી રીતે ગુમાવી તેની વાર્તા કહેશે.
57 વર્ષના પોતાનો ધંધો કરનાર શૈલજા કહે છે, "આ નાટક મંડળી (થિયેટર ગ્રુપ) એક પરિવાર જેવી છે. તેણે મને મારું માનસિક સ્વાસ્થ્ય પાછું મેળવવામાં મદદ કરી છે." તેઓ ગર્વથી કહે છે, "મને સમજાયું કે હું પણ કંઈક કરી શકું છું અને સમાજને કંઈક મદદ કરી શકું છું." તેઓ પોતાને ગૃહિણી તરીકે ઓળખાવે છે, પરંતુ આવક રળવા માટે તેઓ ઘેર બનાવેલા અથાણાં વેચતા એક ઉદ્યોગસાહસિક પણ છે. અને તાજેતરમાં જ તેમણે ઘરેણાંની દુકાનમાં વેચાણની નોકરી પણ લીધી છે. "સામુદાયિક રંગભૂમિએ 2018 માં જે કંઈ બન્યું તેમાંથી મને બહાર કાઢવામાં અને અહીંના બીજા લોકો સાથે, અને ખાસ કરીને જેમને ખબર જ નથી કે [ભરતીને કારણે આવતા પૂરની] પરિસ્થિતિને પહોંચી વળવા અમે શું કરીએ છીએ એવા લોકોની સાથે, મારા પોતાના અનુભવો વહેંચવામાં મને મદદ કરી."


















