મારું નામ સંધ્યાકાળ પરથી રાખવામાં આવ્યું હતું - દિવસનો એ સમય જ્યારે બધું અંધકારમય બની જાય છે. મારા પરિવારને લાગતું હતું કે મારો શ્યામ વર્ણ ‘સંધ્યા’ [સાંજ] નામને બરાબર શોભે છે.
મારા શ્યામ વર્ણને કારણે મારા પરિવારે મારા પર ક્યારેય પ્રેમ વરસાવ્યો ન હતો. આ મારો બાળપણનો અનુભવ હતો, અને તેણે મને ચામડીના રંગના આધારે થતા ભેદભાવ પ્રત્યે જાગૃત કરી; આ વાત મારા મનમાં ઘર કરી ગઈ.
મારો જન્મ 1996માં ઝારખંડના સંઘરી ગામમાં એક મુંડા આદિવાસી પરિવારમાં થયો હતો. મારાં મા નિર્મલા કરકટ્ટા અને પિતા સુમન લકરા છે. ચતરા જિલ્લામાં આવેલું મારું ઘર જંગલો, નદીઓ અને ઝરણાંથી ઘેરાયેલું છે, અને ઝારખંડની બિહાર સાથેની સરહદ પર આવેલું છે.
મારાં માતા-પિતા ખેડૂત છે - અમારી પાસે બે એકર જમીન છે જેના પર અમે ઋતુ પ્રમાણે ભીંડા, કઠોળ, બટાકા, ફુલાવર અને ગાજર જેવા શાકભાજી ઉગાડીએ છીએ. અમે ડાંગરની ખેતી પણ કરીએ છીએ. પરંતુ આમાંથી અમને ભાગ્યે જ કોઈ કમાણી થાય છે - મારા પિતા ખેતરોમાં, રસ્તાનું બાંધકામ અને બોરવેલ ખોદવા જેવાં કામ કરીને જે કમાય છે તે બધું ભેગું કરીએ તો પણ અમારી વાર્ષિક આવક લગભગ 30,000 રૂપિયા જેટલી જ થાય છે.
મારાં માતા-પિતા મહુડામાંથી [મધુકા લોંગિફોલિયા વર. લેટીફોલિયા] બનેલો દારૂ પણ વેચતાં હતાં — એ પૈસાથી અમારા છ સભ્યોના પરિવારનું પેટ ભરાતું હતું — મારે બે બહેનો અને એક ભાઈ છે. અમારા ભણતરનો ખર્ચ ઉઠાવવામાં મદદ મળે એ માટે તેઓએ ગામમાં એક નાની મીઠાઈની દુકાન પણ શરૂ કરી હતી.
લગભગ 15 લોકોના મોટા કુટુંબમાં રહેવાનો અર્થ એ હતો કે હંમેશા ઘણું કામ રહેતું હતું, અને જેમ જેમ હું મોટી થતી ગઈ, મારે મારા જ ઘરમાં નોકરાણીની જેમ કામ કરવું પડતું. જ્યારે હું બીજા ધોરણમાં હતી, લગભગ 7 વર્ષની ઉંમરે, ત્યારથી જ હું ઘરનાં બધાં કામ કરતી હતી – આખા પરિવાર માટે રસોઈ બનાવવી, વાસણ ધોવાં, ઘરની સફાઈ કરવી, ગૌશાળા સાફ કરવી, ગાયો અને બકરાંને ચરાવવા લઈ જવાં, જંગલમાંથી લાકડાં ભેગાં કરવાં, અને બીજું ઘણું બધું.


















