ગોરો છતાં ગોરો નહીં, કાળો છતાં કાળો નહીં. તાપમાં તપીને ચામડીનો ગોરો રંગ તાંબુડિયો થયો, કાળો રંગ જાંબુડિયો થયો. રોજરોજ કામ કરવાનું. એકાદ દિવસ ખરીદવા જવાનું. એકાદ દિવસ વેચવા જવાનું. વેચવામાં આખો દિવસ જાય. ખરીદવામાં આખો દિવસ જાય. રોજગાર એવો કે તડકાની કશી ખબર ના પડે. પડે તો એની બહુ તમા ના કરે. છાંયડો ખરો, પણ તડકાનો સગો. છાંયડામાં વાયરો આવે તો તડકાની લૂ લઈને આવે.
ખાવાનું આવે, પીવાનું આવે, ઊંઘવાનું આવે, ફરવાનું આવે, હસવાનું આવે, જીવનમાં જે આવવાનું હોય એ બધું આવે, પણ સૌથી વધારે વેઠવાનું આવે. જીવનમાંથી જીવ નીકળી જાય એવું વેઠવાનું આવે.
વેઠવાનું માત્ર રસ્સી બનાવવા માટેના રેસા ખરીદનાર અને રસ્સી બનાવીને વેચનાર રાજભોઈ-મહિલાઓને જ ના આવે. એમનાં બાળકોને પણ આવે, કારણ, બાળકો વધારે ભણી ના શકે. ‘બચ્ચોં કી ફુકટ મેં મુન્સિપાલટી (મ્યુનિસિપાલિટી) મેં પઢાઈ હોતી હૈ. જ્યાદા સે જ્યાદા દસવીં-આઠવીં.' આટલું બોલ્યા પછી 47 વર્ષનાં ગીતા રાજભોઈએ વધારે ન ભણાવવાનું કારણ પણ આપ્યું : ‘દસવીં કે બાદ બારવીં, ઉસકે બાદ કૉલેજ, તબ જાકે નૌકરી મિલતી હૈ. ઇસસે અચ્છા અપના ધંદા સંભાલો!' વટવામાં આવેલા ચાર માળિયામાં રહેતાં ગીતાની વાતમાં કેટલી નિર્દોષતા! નિર્દોષતા કૉલેજ કરવાથી નોકરી મળી જાય એની અને ‘અપના ધંદા સંભાલો'ની. ‘અપના ધંદા' એટલે કયો ધંધો? પુરૂષોનો કાનમાંથી મેલ કાઢવાનો અને મહિલાઓનો રેસામાંથી રસ્સી બનાવવાનો. રાજભોઈ-સમુદાયના બંને પરંપરાગત ધંધા. ‘હમારા ખાનદાની (ધંદા) હૈ' સંતરા રાજભોઈએ રસ્સી બનાવવા માટેના રેસાની ગૂંચ ઉકેલતા કહ્યું. 46 વર્ષીય રૂપા રાજભોઈએ રેસામાંથી પત્રીનો ટુકડો કાઢીને ઉમેર્યું, ‘ઐસે કે પરંપરા સે ચલતા આયા હૈ'.
પરંપરાગત વ્યવસાય કરતી બીજી વિચરતી જાતિઓની જેમ રાજભોઈ પણ દારૂણ ગરીબીમાં જીવી અને આજે પણ જીવી રહી છે. રાજભોઈની ગરીબી પહેલાં પણ સરકારની ઉપેક્ષાનો ભોગ બની, આજે પણ બની રહી છે. 1975માં જન્મેલાં કરુણા રાજભોઈના શબ્દો સ્તબ્ધ કરી દે એવા : ‘પહેલે મણિનગર (મેં) રહેતે થે કચરે મેં. બરસાત હોતી થી તો નીચે સે પાની જાતા થા ઔર ઉપર હમ રહેતે થે. ઐસે-ઐસે દિન નિકાલે હૈ. ચાલીસ સાલ ગુજારે (મણિનગર મેં). હમારે બાપદાદા સબ વહાઁ થે.'


























