સવારના પાંચ વાગ્યા છે, અને સૂર્યને હજી આજના દિવસ માટેની તેની હાજરી પૂરાવવાની બાકી છે, પરંતુ બે અલગ-અલગ લાક્ષણિક અવાજો બિહારના ગોપાલગંજ જિલ્લાના ઓછી વસ્તી ધરાવતા આ હથુઆ નગરને પહેલેથી જ જગાડી રહ્યા છે. એક છે કેટલીક મસ્જિદોના મિનારાઓમાંથી અઝાનની ઘોષણા કરતો મુઅઝ્ઝિનનો અવાજ. બીજો છે આ વિસ્તારના ત્રણ-ચાર મંદિરોમાંથી ઊઠતો ભજન ગાયકોનો અવાજ. મધુરું અલ્લાહુ અકબર! અલ્લાહુ અકબર! અશ્હદુ અં લા ઇલાહ ઇલ્લ્ અલ્લાહ...કરતાલના તાલ સાથે જોડાયેલા હરે રામ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે રામ રટતા અવાજો સાથે ભળી જાય છે. અને પછી સંભળાય છે હવામાં ગુંજી ઉઠતા અને ક્યાંક થોડે નજીકથી આવતા વાંસળીના સૂરનો અવાજ, જે આ જુદા જુદા સૂરોને એકસાથે ભેળવી તૈયાર કરે છે એક નિર્મળ મિશ્રણ.
બાંસુરી (વાંસળી) પર વગાડવામાં આવતા આ મધુર સંગીતનું આકર્ષણ, આ કલાકારને મળવાની ઉત્સુકતા, મને 176 વર્ષ જૂના ગોપાલ મંદિરમાં લઈ જાય છે. 1850 થી 1866 ની વચ્ચે હથુઆના તત્કાલીન મહારાણી શ્યામ સુંદરી કુંવર દ્વારા બંધાવવામાં આવેલ આ મંદિર જૂના કિલ્લા, એક નવા કિલ્લા અને એક શીશ મહેલ (અરીસાઓનો મહેલ) થી ઘેરાયેલું છે. લગભગ 4,50,000 ચાંદીના સિક્કાના ખર્ચે, આજના ચલણમાં ગણતરી કરીએ તો લગભગ 55 કરોડ રુપિયાના ખર્ચે બનાવવામાં આવેલ આ શાહી મંદિરના વિશાળ દરવાજે એક સુરક્ષા કર્મચારી પહેરો ભરી રહ્યો છે. અંદર 14 એકર જમીનમાં ફેલાયેલા બગીચા, ફુવારા, તળાવો, એક સંસ્કૃત યુનિવર્સિટીની ઇમારત અને ઘણા ઓરડાઓ ધરાવતું આ પ્રખ્યાત મંદિર છે.
આ મંદિર એ પ્રાચીન હથુઆ રજવાડા પર શાસન કરનારા સૌથી જૂના કુલીન કુટુંબોમાંના એકના વંશજોની ખાનગી મિલકત છે. તે સવાર અને સાંજ જાહેર જનતા માટે ખુલ્લું હોય છે, ત્યારે તમે થોડા ભક્તોને અંદર આવતા જોઈ શકો છો. એક પૂજારી અંદરના ગર્ભગૃહમાં રાધાકૃષ્ણની મૂર્તિઓની સામે આરતી કરે છે. સામે સ્તંભવાળા વિશાળ હોલની ભોંય પર પોતપોતાના વાદ્યો - તબલા, હાર્મોનિયમ, ઝાંઝ - સાથે સંગીતકારો બેઠા છે. અને ત્યાં એ જૂથમાં મોહમ્મદ સગીર અંસારી છે, જેમના વિશે મેં મારા સાથી કાર્યકરો પાસેથી સાંભળ્યું છે.
પોતાની વાંસળીના સૂર ગોપાલ મંદિરમાં દેવતાઓને અર્પણ કરતા 70 વર્ષના એક મુસ્લિમ સંગીતકાર. તેમને તેમના કામમાં કંઈ અસામાન્ય લાગતું નથી. તેઓ કહે છે, "બધા માણસો સમાન છે. આપણી વચ્ચે કોઈ ભેદભાવ નથી. આપણે બધાએ હળીમળીને રહેવું જોઈએ. યહ એક જ્ઞાન હૈ જો ખુદાને મુઝે દિયા હૈ. ઔર જ્ઞાન બાંટને મેં કુછ ભી ગલત નહીં હૈ. [આ કલા, આ જ્ઞાન ખુદાની રહેમ છે અને તેને વહેંચવામાં કંઈ ખોટું નથી]. આજે હું અહીં એક દાયકાથી વધુ સમયથી વાંસળી વગાડી રહ્યો છું."







