“તેઓ મારાં બે માટલાં ચોરી ગયા!”
આનંદ લોહાર ગુસ્સાથી લાલઘૂમ છે. દિવસની શરૂઆત જ ખરાબ થઈ છે. ગોયાલપાડાના રહેવાસી એવા આનંદે માત્ર માટલામાં ટપકતો રસ જ નથી ગુમાવ્યો, પરંતુ 90 રૂપિયાનું નુકસાન પણ વેઠવું પડ્યું છે. તેમના ઘરથી ત્રણ કિલોમીટર દૂર સોનાઝુરીથી ખરીદી લાવે છે તેની આટલી કિંમત છે.
આનંદને ખેજૂર એટલે કે ભારતીય ખજૂરીના (ફીનિક્સ સિલ્વેસ્ટ્રીસ) ઝાડમાંથી મીઠો રસ ભેગો કરવા માટે માટલાંની જરૂર પડે છે. તેઓ એક શિઉલી છે — ખજૂરીના ઝાડના થડને કાપી, તેના પર ચઢીને રસ એકઠો કરતા લોકોનું આ સ્થાનિક નામ છે. આ એક મોસમી વ્યવસાય છે જે ઑક્ટોબરથી જાન્યુઆરી સુધી ચાલે છે, અને તેઓ બંગાળી અશ્વિન મહિનામાં સક્રિય થાય છે, જે પાનખરની ઋતુ સાથે આવે છે. રસપ્રદ વાત એ છે કે, શિઉલી એ રાત્રે ખીલતા ફૂલ (પારિજાત)નું નામ પણ છે જે બંગાળમાં પાનખરના આગમનનો સંકેત આપે છે.
ઉંમરને કારણે ઝૂકી ગયેલા 65 વર્ષીય આનંદ, બોલપુર શહેરમાં ઈંટના ભઠ્ઠા બંધ થઈ ગયા ત્યારથી, એટલે કે છેલ્લાં છ-સાત વર્ષથી આ કામ કરી રહ્યા છે.
પોતાનાં માટલાં ગુમાવવાથી આનંદ ખૂબ જ દુઃખી છે અને તેઓ બબડે છે, “દર સિઝનમાં આવું જ થાય છે.” અમે હવે પછીના ઝાડ તરફ જઈ રહ્યા છીએ જેના પર તેમણે ચઢવાનું છે; અમારા પગ નીચે સૂકાં ખજૂરીનાં પાંદડાં જોરથી કચડાઈ રહ્યાં છે. ડિસેમ્બરની ઠંડી સવાર છે અને આનંદે ઠંડીથી બચવા માટે ટોપી પહેરી છે. તેમણે ભાડે રાખેલાં ઝાડ મનસાતલામાં આવેલા તેમના માટીના ઘરથી થોડાક જ અંતરે છે − લગભગ 300 મીટર. પરંતુ અસ્થમાના દર્દી હોવાને કારણે તેમના માટે કોઈ પણ મહેનત માગી લેતું કામ કરવું મુશ્કેલ છે. અને પાછા ફરતી વખતે, જ્યારે તેઓ સાતથી આઠ કિલો તાજો રસ ઊંચકીને આવે છે, ત્યારે તો તે વધુ મુશ્કેલ બની જાય છે.


































