‘વાહ યા' પુખ્ત વયની વ્યક્તિની હથેળીમાં સહેલાઈથી સમાઈ જાય તેવું હોય છે. વાહ (વાંસ)માંથી બનેલું આ સંગીતવાદ્ય, ફક્ત સાડા ચાર ઇંચથી થોડું લાંબુ હોય છે, અને તે “પ્રેમનું પ્રતીક છે,” ન્ગ્પ લો નાના વાંસના ટુકડાને પોતાના હોઠ પાસે લાવતાં કહે છે.
ન્ગ્પ નાગાલેન્ડના મોન જિલ્લામાં ખેડૂત હતાં. તેઓ અમારી સાથે વાત કરી રહ્યા છે તે દરમિયાન તેઓ આ નાનકડું સંગીતવાદ્ય બહાર કાઢે છે જેને તેમણે પોતાની પાસે જ સાચવી રાખ્યું હતું. પોતાના ડાબા હાથથી, તેઓ વાંસ અને દોરીનો એક છેડો પકડે છે. જમણા હાથથી, તેઓ દોરી પકડે છે, જેના છેડે રંગીન દોરાના ટુકડા લટકે છે. અને પછી તેઓ તેને વગાડવાનું શરૂ કરે છે.
ન્ગ્પની બાજુમાં તેમની બાળપણની સહેલીઓ યિંગ લિ અને નિલઈ બેસેલાં છે. આ ત્રણેય સહેલીઓ સાઠ વર્ષથી વધુ વયની છે. તેઓ ત્રણેય મોન ગામમાં બેપ્ટિસ્ટ ચર્ચની બાજુના મેદાનમાં યોજાઈ રહેલા ઔલેંગ માટે સાથે મુસાફરી કરીને આવ્યાં છે.






