"લોકો હજી પણ માને છે કે જો તેઓ કોઈ એવી વ્યક્તિના સંપર્કમાં આવે કે જેને - આજથી 60 વર્ષ પહેલાં પણ - રક્તપિત્ત થયો હોય તો તેમને એનો ચેપ લાગશે."
ઉંમરના સિત્તેરના દાયકામાં પહોંચેલા નિયામત ઉલ્લાહ ખાન છ દાયકાથી વધુ સમયથી રક્તપિત્તથી મુક્ત છે, પરંતુ તેઓ કહે છે કે તેમને માથે એનું કલંક હજી પણ છે. તેઓ સમજાવતા કહે છે, "મારો પરિવાર મારો આદર કરે છે, પરંતુ મારી આ સ્થિતિને કારણે બીજા પણ મારો આદર કરે એવી અપેક્ષા હું રાખી શકતો નથી."
અણગમા સાથે ભળેલી દયાભરી નજર સહન કરવાની તૈયારી ન હોઈ આખરે 2025 માં તેઓ કુપવાડામાં પોતાનું ઘર અને કુટુંબ છોડીને શ્રીનગરની બહેરાર લેપ્રસી કોલોનીમાં રહેવા ગયા હતા.
76 વર્ષના નિયામત કહે છે, "અહીં બધા સરખા છે એટલે જ હું અહીં રહેવા આવી ગયો હતો. મારા ગામમાં મને બાકાત રાખવામાં આવતો હતો એમ મને લાગતું હતું એવું મને અહીં નથી લાગતું. અહીં ઘર જેવું લાગે છે. મેં મરતા સુધી અહીં જ રહેવાનું નક્કી કર્યું છે."
















