જ્યારે પટનાની શેરીઓમાંથી કાચનું સિપર પસાર થાય છે, ત્યારે ઝગમગતું ગુંબજ−આકારનું માળખું જોવાલાયક હોય છે. શહેરના ગૌરવસમા શીશે કી સિપર વિશે વાત કરતાં નઝરે ઇમામ કહે છે, “તલવારોથી માંડીને ઢાલ સુધી, અને તલવારોના તીક્ષ્ણ છેડાને વીંધતા દેખાતા અનાર [સજાવટી દાડમ] સુધી, બધું કાચમાંથી કોતરવામાં આવે છે.”
મોહર્રમના જુલુસ દરમિયાન પટનામાં આ ઝીણવટપૂર્વકનું કાચનું સિપર જોવા મળે છે. યુદ્ધના મેદાનોમાં લઈ જવાતા સુશોભિત શસ્ત્રાગાર જેવા દેખાતા આ સિપરમાં તલવારો, ઢાલ, ધનુષ અને તીર સહિત તમામ પ્રકારનાં શસ્ત્રો હોય છે, જેમાં ઓછામાં ઓછી એક ડઝન હસ્તકળાઓમાંથી લેવાયેલા સુશોભિત તત્ત્વો હોય છે.
અહીંથી લગભગ એક કિલોમીટર દૂર, પટના શહેરની દક્ષિણ તરફ, 40 વર્ષીય મોહંમદ નાસેરે હમણાં જ પોતાના સિપરનું કામ પૂરું કર્યું છે અને પોતાની દીકરીઓ સાથે પોતાના વર્કશોપના દરવાજા પાસે ઊભા છે અને પોતાની રચના પર અંતિમ નજર નાખી રહ્યા છે. આ નાજુક રચના વરંડામાં પ્રદર્શિત કરવામાં આવી છે; નજીકમાં બાગ કાલુ ખાનના જૂના વિસ્તારમાં કેટલાંક મકાનો અને એક મઝાર (દરગાહ) છે.
કલાકાર નાસેર કહે છે, “આ એક માણસનું કામ નથી. તે ઘણી કળાત્મક કુશળતાનું મિશ્રણ છે. કેટલાક કલાકારો બિહારના વતની છે, જ્યારે અન્ય કલાકારો દેશના જુદા જુદા ભાગોમાંથી આવેલા છે.”
તેઓ સિપરમાં જોવા મળતી આરી, ઝરદોઝી, કશીદાકારી, છાપા, નાગ અને કેટલીક વાર મીનાકારી જેવી હસ્તકળાનાં ઉદાહરણો ટાંકે છે. (આરી કાપડ ઉપર આરીની મદદથી કરવામાં આવતું ભરત છે; ઝરદોઝી એ ધાતુના દોરાઓનો ઉપયોગ કરીને કરાતા ભરતકામને કહે છે; કશીદાકારી એ બિહારમાં કરવામાં આવતું કાશ્મીરી શૈલીનું ભરતકામ છે અને છાપા એ ધાતુના રંગો વડે લાકડાના બ્લોકવાળી પ્રિન્ટ કરવાને કહે છે.)
સિપરમાં મીનાકારી – ઇનેમલ ચિત્રકામ, અને કપડાં પર બારીક રીતે કોતરેલાં અને ધારદાર રત્નો જડવાની નાગ કળા પણ વપરાય છે.



















