તે તેમને ‘મા’ કહીને બોલાવે છે, પરંતુ સંજીવની અસુંતાનો પુત્ર નથી.
અસુંતા ટોપ્પો ધરમજયગઢ બ્લોકના મિરિગુડા ખાતેના આરોગ્ય પેટા-કેન્દ્રમાં ગ્રામીણ આરોગ્ય અધિકારી (RHO) છે, જ્યાં તેમણે લગભગ બે દાયકાઓથી કામ કર્યું છે. થોડા વર્ષો પહેલાં, તેમણે એક ઉચ્ચ જોખમવાળી પ્રસૂતિ કરાવી હતી. માતાનું બ્લડ પ્રેશર ખૂબ ઊંચું હતું અને હિમોગ્લોબિન ઓછું હતું — સાત ગ્રામથી પણ ઓછું. અસુંતા યાદ કરતાં કહે છે, “જ્યારે તે અમારા આરોગ્ય પેટા-કેન્દ્રમાં આવી, ત્યાં સુધીમાં તેને પ્રસવની પીડા શરૂ થઈ ચૂકી હતી. અમે તેને ટેબલ પર સુવડાવી શકીએ તે પહેલાં જ બાળકનો જન્મ થઈ ગયો હતો.”
સ્થાનિક રીતે ઉપ-સ્વાસ્થ્ય કેન્દ્ર તરીકે ઓળખાતા આરોગ્ય પેટા-કેન્દ્રમાં પ્રસૂતિ પછી બાળકની સ્થિતિ સારી ન હતી. અસુંતા યાદ કરે છે, “અહીં અમારી પાસે ઓક્સિજનની સુવિધા નહોતી અને માતાની હાલત પણ એટલી જ ગંભીર હતી.” ઘણું લોહી વહી રહ્યું હતું અને આર.એચ.ઓ. અવઢવમાં હતાં કે માતાની સંભાળ રાખવી કે બાળકની.
તેઓ યાદ કરે છે, “પહેલાં અમે તેમને ધરમજયગઢ લઈ ગયાં. ત્યાં એક ડૉક્ટર હતા, હું તેમનું નામ લેવા માંગતી નથી. તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી અને અમને પૂછ્યું કે અમે માતા અને બાળકને આટલી ગંભીર અને નાજુક હાલતમાં શા માટે લઈને આવ્યાં છીએ.” પરંતુ અસુંતા ડૉક્ટર સાથે ઝઘડ્યાં. “મેં તેમને કહ્યું, જો તમે આ ન કરી શકો, તો રહેવા દો. કૃપા કરીને મને થોડી મદદ કરો. તે [ડૉક્ટર] ગુસ્સે થઈ ગયાં.”
અસુંતાએ બાળકને તેડી લીધું અને એમ્બ્યુલન્સ માટે આગ્રહ કર્યો. એટલામાં તે ડૉક્ટર નરમ પડ્યાં અને તેમણે (બાળકને) ઇન્જેક્શન આપ્યું. અસુંતા કહે છે કે તેમની સાથે આવેલાં મિતાનિન (માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર્તા) ખૂબ મદદરૂપ રહ્યાં, કારણ કે તેઓ બાળકને મોંઢા-મોંઢ શ્વાસ આપીને તેને જીવંત રાખવાનો પ્રયાસ કરતાં રહ્યાં હતાં.











