દરેક લેખક વિચારતો હોય છે કે, “મારા આ શબ્દો કોના ભરોસે વહેતા મૂકું?”
દુનિયા તેના લખેલા શબ્દો વાંચે તે પહેલાં, હંમેશા કોઈ એક વ્યક્તિ હોય છે જે તેને સૌથી પહેલાં સાંભળે છે. લગભગ 18 વર્ષથી શ્રદ્ધાનંદ અસુરનાં ગીતોને પ્રથમવાર સાંભળનાર શ્રોતા બદલાયા નથી.
તેઓ કહે છે, “હું કોઈ ગીત બનાવું, તો અથનાસને સંભળાવું છું. મેં મારા જીવનનું પહેલું ગીત — એક યીશુ ગીત (ઈસુનું ગીત), તેમના માટે જ લખ્યું હતું.” આટલું કહીને તેઓ પોતાના ગાઢ મિત્ર, જે તેમના પહેલા શ્રોતા પણ છે, તેમની તરફ જુએ છે. થોડી વાર પછી બંને મિત્રો જોરથી હસી પડે છે.
શ્રદ્ધાનંદ અને અથનાસ, બંને ઝારખંડના લુપુંગપાઠ ગામના છે. તે બંને સાથે રોમન કેથોલિક પ્રાથમિક શાળામાં ભણતા હતા. એક દિવસ શ્રદ્ધાનંદે જોયું કે અથનાસ ખૂબ તણાવમાં હતો. તેઓ યાદ કરતાં કહે છે, “બીજા દિવસે શાળામાં બીજાં બાળકોની જેમ તેને ગીત ગાવાનું હતું.” આના બદલે વાર્ષિક પરીક્ષાના પરિણામમાં ગુણ મળવાના હતા.
બંને મિત્રો અસુર સમુદાયના હતા, જે ઝારખંડમાં ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથ (પી.વી.ટી.જી.) તરીકે સૂચિબદ્ધ છે. જન્મથી જ અથનાસનો ડાબો હાથ વિકસિત થઈ શક્યો ન હતો. શ્રદ્ધાનંદ જણાવે છે, “આ કારણે લોકો તેને લૂલા [અપંગ] કે ઠુંઠા [ખામીવાળા] કહીને મજાક ઉડાવતા હતા.”














