પશ્ચિમ દિલ્હીના પીરાગઢી ગામમાં રહેતા 22 વર્ષીય દરજી રોશન કહે છે, “ઘરે આવતું નળનું પાણી ક્યારેક પીળું હોય છે, તો ક્યારેક વાદળી, કાળું કે ફીણવાળું હોય છે. પાણીમાંથી ગટર જેવી જ દુર્ગંધ આવે છે. અમે છ મહિનાથી આ પાણીનો ઉપયોગ કરી રહ્યા છીએ.” તેઓ સતત ત્રણ દિવસથી પેટના દુખાવા અને તાવથી બીમાર છે. તેમના ચાર સભ્યોના પરિવારમાં કોઈને કોઈ હંમેશાં બીમાર જ રહે છે.
પીરાગઢીમાં, જે એક સમયે રાજધાની શહેરની હદ પર આવેલું ગામ હતું અને હવે શહેરના વિસ્તરણમાં સમાઈ ગયું છે, ડઝનબંધ રહેવાસીઓ દૂષિત નળનું પાણી પીધા પછી પેટ અને આંતરડાની સમસ્યાઓ (ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સમસ્યાઓ) અથવા તીવ્ર તાવથી પીડાય છે. જૂન 2024થી, આ વિસ્તારનાં લગભગ 1,000 ઘરોને નગરપાલિકાના પુરવઠા દ્વારા દુર્ગંધયુક્ત પાણી મળી રહ્યું છે.
પીરાગઢીની ગલીઓમાં ડઝનબંધ નાની−મોટી ફેક્ટરીઓ આવેલી છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ, લગભગ બે દાયકા પહેલાં સુધી, અહીં મુખ્યત્વે પ્લાસ્ટિકની વસ્તુઓ બનાવતી ફેક્ટરીઓ હતી. જોકે, સમય જતાં, પેઇન્ટ્સ, ડાઈ, શૂઝ, ઇલેક્ટ્રોનિક્સ અને મોટર્સ જેવી અન્ય વસ્તુઓનું ઉત્પાદન કરતા ઔદ્યોગિક એકમો પણ શરૂ થવા લાગ્યા.
રોશનના પિતા વિશ્વનાથ આમાંથી એક ફેક્ટરીમાં દૈનિક મજૂરી કરે છે. જ્યારે તેઓ 15 વર્ષ પહેલાં બિહારથી દિલ્હી આવ્યા, ત્યારે પીરાગઢી તેમનું ઘર બન્યું કારણ કે આ ગામ તેમની મૂળભૂત જરૂરિયાતો — રોજગાર, ખોરાક અને પાણી — પૂરી કરતું હતું.
વિશ્વનાથના પરિવારની જેમ, પીરાગઢીના મોટાભાગના પરિવારો તેમની માસિક કૌટુંબિક આવકના લગભગ 10 ટકા પીવાના સ્વચ્છ પાણી પાછળ ખર્ચે છે, જે દરરોજ સરેરાશ 100 રૂપિયા થાય છે.














