રસ્તો પૂરો થાય તે પહેલાં જ જીપીએસ (GPS) સિગ્નલ જતું રહે છે.
નાગપુરથી દક્ષિણ તરફ એકાદ કલાકના અંતરે આવેલા ભાનસોલી (સાવંગી) ગામની બહાર કપાસ અને તુવેરનાં ખેતરોની વચ્ચે કોઈ રેખા દોરતી હોય તેમ પસાર થતી ડામરની એક સાંકડી પટ્ટી ધૂળિયા રસ્તામાં ભળી જાય છે.
45 વર્ષીય કિરસન જગમાલ રબારી એક મોટરબાઇક પર અમારી રાહ જોઈ રહ્યા છે. તેઓ આગ્રહ કરે છે કે અમારે અમારી ફોર-વ્હીલર અહીં જ છોડી દેવી પડશે. આશરે 2,500 ઘેટાં-બકરાંઓ સાથેનો તેમનો કાફલો રસ્તામાં આવતી એક છીછરી નદી પાર કરી ચૂક્યો છે, અને ત્યાં ગાડીથી પહોંચી શકાય એમ નથી.
બીજી બાજુ, ચાર પરિવારો – એટલે કે કિરસનનો સતત ફરતો રહેતો ‘ડેરો’ – આગળ વધી રહ્યો છે. ખડતલ બળદોથી ખેંચાતી બે લોખંડની ગાડીઓમાં ખાટલા, સ્ટીલનાં વાસણો, કપડાંનાં પોટલાં, માટલાં, દોરડાં, જાળીઓ અને પટારાઓ જેવી તેમની પરચુરણ ચીજવસ્તુઓ લદાયેલી છે. તેમના ત્રણ ભાગના પારંપરિક કાળા પોશાક – ચોળી (બ્લાઉઝ), ઘાઘરો (સ્કર્ટ), અને લૂડકી (ઓઢણી) –માં સજ્જ સ્ત્રીઓ ગાડાં ચલાવી રહી છે. ઘેટાં-બકરાંનાં બચ્ચાં બેં-બેં કરી રહ્યાં છે, અને એક ગલુડિયું દોરડાને જોરથી ખેંચી રહ્યું છે, જાણે કે તે ભવિષ્યમાં ટોળાનું સંચાલન કરવાની પોતાની જવાબદારીની અત્યારથી જ પ્રેક્ટિસ કરી રહ્યું હોય.
હવે, કાફલો રવાના થઈ ચૂક્યો છે.












