ડોંગરપાડા ઉત્તર મુંબઈમાં મઢ ટાપુ પર આવેલું એક ગાઉંથણ (કસબો) છે. અહીં કોળી માછીમાર સમુદાયના આશરે 40-45 પરિવારો રહે છે. તેઓ સામૂહિક રીતે ખાલા (માછલી સૂકવવાનું મેદાન) ચલાવે છે. મઢમાં આવાં ઘણાં મેદાનો છે.
લગભગ દરેક કોળી પરિવાર 5-10 જેટલા મજૂરોને કામ પર રાખે છે, જેમાંથી ઘણા ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાંથી આવતા હોય છે. તેઓ દર વર્ષે સપ્ટેમ્બરથી જૂન મહિના સુધી મુંબઈ આવે છે. તેઓ કોળી પરિવારો માટે કરાર પર કામ કરે છે અને આઠ મહિનામાં લગભગ 65-75,000 રૂપિયા કમાય છે.
ડોંગરપાડામાં કામ કરવા આવતા પુરુષ મજૂરો મોટે ભાગે કોળી લોકો દ્વારા આપવામાં આવેલા રૂમમાં 4 થી 5 ના જૂથમાં સાથે મળીને રહે છે. અહીં કામ કરવા આવતી ઘણી મહિલાઓ આંધ્રપ્રદેશથી આવે છે અને તેઓ તેમના બાળકો સહિત તેમના આખા પરિવાર સાથે આવે છે. આ સ્ત્રીઓ અને તેમના પરિવારોને રહેવા માટે કોળી પરિવારોની જ જમીન પર થોડી અલગ જગ્યા આપવામાં આવે છે, જેના માટે તેઓ દર મહિને લગભગ 700 રૂપિયા ભાડું ચૂકવે છે.














