“જ્યારે હું યુવાન હતી, ત્યારે અમે ક્યારેય એવું વિચાર્યું નહોતું કે અમારે ક્યારેય આ કામ બંધ કરવું પડશે.”
જોકે, રાધા દેવીના ઘરના માળિયામાં ધૂળ ખાતાં પડેલાં ઓજારો કંઈક અલગ જ વાર્તા કહે છે. એક રેંટિયો અને લાકડાની જૂની શાળની શટલ, એવાં ઓજારો છે કે જેમણે દાયકાઓ સુધી કુદરતી અને રંગ્યા વગરના ઊનમાંથી ધાબળા વણવામાં તેમનો સાથ નિભાવ્યો હતો, તે હવે શાંત પડ્યા છે.
ભોજપુરનાં આ કાંતનાર અને વણકર કહે છે, “સુત્તા બનાવત કે કલા હમાર હાથ સે છૂટ જાતા [સૂતર કાંતવાની કળા હવે મારા હાથમાંથી છૂટી રહી છે]. એ [2016માં બનાવેલા] ધાબળા પછી મેં એક પણ ધાબળો નથી વણ્યો.” તેઓ જે ધાબળા તરફ ઈશારો કરે છે તે જાડો અને કથ્થાઈ રંગના અલગ અલગ શેડમાં વણાયેલો છે, જેના પર આડા પટ્ટા વણેલા છે.
આ વૃદ્ધ વણકર વધુમાં કહે છે, “હું સાવ નાની હતી ત્યારથી મારી મા, ચાચી [કાકી] અને દાદી સાથે મળીને આ ધાબળા બનાવતી આવી છું.” તેઓને તેમની ચોક્કસ ઉંમર તો યાદ નથી, પણ તેઓ એટલું ચોક્કસ કહી શકે છે: “મેં ઈન્દિરા ગાંધીનો જમાનો જોયો છે!”
ગઢાણી બ્લોકના ભીનરારી ગામની ગલીઓમાં, એક સમયે ઘેટાંના ઊનનો એક આગવો જ તાલ હતો. શિયાળુ બજારોમાં, પાલ સમુદાયના કારીગરોએ વણેલા ધાબળાઓની ભારે માંગ રહેતી અને એના બરછટ રેસા કડકડતી અને લાંબી ઠંડી રાતોમાં લોકોને હૂંફ આપતા. આજે, એ બજારો સૂનાં છે અને રાધા દેવી એમના ગામમાં એમના સમાજની છેલ્લી મહિલા છે જેમણે આવા ધાબળા વણ્યા છે.
રાધા દેવી કહે છે, “ઇહે જાત બા હમાર [આ અમારી જાતિ છે.]” “શરૂઆતથી જ અમે આ જ કામ કરતાં આવ્યાં છીએ.”
લીલા અને ગુલાબી રંગની સાડીમાં, રાધા દેવી પોતાના ઘરની તડકે તપેલી ઈંટની દીવાલનો ટેકો લઈને ઊભાં છે. તેઓ એ દિવસો યાદ કરે છે જ્યારે તેઓ આઠ-નવ વર્ષનાં હતાં ત્યારે તેમણે કેવી રીતે વણાટકામ શીખ્યું હતું. તેઓ ક્યારેય શાળાએ ગયાં નથી અને આ કળા એમની માતા પાસેથી શીખ્યાં હતાં. એમના પિતા અને દાદા સો કરતાં પણ વધુ ઘેટાં રાખતા હતા. સામાન્ય રીતે, પરિવારની સ્ત્રીઓ ઊનમાંથી ધાબળા અને સ્વેટર વણતી, જ્યારે પુરુષો તેને નજીકનાં ગામડાંમાં કે બીજા જિલ્લાઓમાં વેચતા. લગ્ન પછી પણ એમણે આ જ સિલસિલો જોયો હતો — એમના પતિ અને સસરા ઘેટાં રાખતા અને એમનાં સાસુ ધાબળા વણતાં.












