ડિસેમ્બર 2016માં જમ્મુ અને કાશ્મીરના લદાખમાં લેહ શહેરથી 35 કિલોમીટર દૂર સ્નેમો ગામમાં જ્યારે હું ત્સેરિંગ આંગચુકને મળી, ત્યારે 62 વર્ષીય ત્સેરિંગ સ્મિત સાથે કહેતા હતા, “હું શરત લગાવીને કહી શકું કે અહીં ઉપર આવતી વખતે તમને રસ્તામાં માત્ર ગાયો, ગધેડાં અને થોડાંક કુતરાં જ મળ્યાં હશે.”
અંદાજે 1,100 (વસ્તી ગણતરી 2011)ની વસ્તી ધરાવતા આ નાનકડા ગામના મોટાભાગનાં ઘર શિયાળામાં તાળાં મારેલાં હોય છે. તાપમાન ગગડીને માઈનસ 13 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતું હોવાથી, રહેવાસીઓ ચંદીગઢ, જમ્મુ, દિલ્હી કે લેહ જેવા હૂંફાળા પ્રદેશોમાં રહેતા તેમના પરિવારજનો સાથે રહેવા ચાલ્યા જાય છે. ત્સેરિંગ કહે છે, “આને કારણે અહીં મારા જેવા થોડાક જ લોકો બચે છે, અને સાથ આપવા માટે બચે છે માત્ર ઢોરઢાંખર.” તેમનાં પત્ની અને ત્રણ બાળકો બહારગામ છે, જ્યારે તેઓ એક સંબંધીના ઘરે રહીને તેમનાં પશુઓની – મુખ્યત્વે ગાયો અને ઝો (ગાય અને યાકની સંકર ઓલાદ) – સંભાળ રાખે છે.










