“એણે દંતશૂળના એક જ ઝાટકે મારી સાત ગુણી ફસલનો કચ્ચરઘાણ વાળી દીધો.”
એક વરસ વીતી ગયું છે, પણ રામપરા એમના ગામ દામપારએંગપુઈમાં તેમના ઘરે પેલા એકલવાયા હાથીએ મચાવેલી તબાહીને ભૂલ્યા નથી.
સાત ગુણી પાક એટલે રાઈના પાંચ પતરાના ડબ્બા, જેનું વજન લગભગ 10-12 કિલો જેટલું થાય. અહીં મિઝોરમમાં, અનાજ ભરવા માટે વપરાતી ગુણીઓના માપ કે વજન માટે પરંપરાગત રીતે પતરાના ડબ્બાઓનો જ ઉલ્લેખ કરવામાં આવે છે.
તેઓ ઉમેરે છે, “હાથીએ મોં નાખ્યા પછી હવે એ રાઈ બગડી ગઈ છે.” હાથીએ એમના વાંસના માંચડામાં ભરેલી ડાંગરને પણ પોતાની સૂંઢના એક જ ઝટકાથી નષ્ટ કરી દીધી હતી.
પણ 73 વર્ષના રામપરા ઉદાર દિલના છે. “આ માયુંગ [હાથી] સારો છે. એ ક્યારેય માણસો પર હુમલો નથી કરતો. બહુ બહુ તો પાકને નુકસાન પહોંચાડે છે. એ ખાવાનું શોધતો આવે છે અને જતો રહે છે.” રામપરા એક ખેડૂત અને વાંસની હસ્તકળાના કારીગર છે અને તેઓ રિયાંગ (જેને રીઆંગ પણ લખાય છે) આદિવાસી સમુદાયના છે.
તેઓ પારીને આગળ જણાવે છે કે તે હાથી શરમાળ છે. “જ્યારે પણ એ માણસનો અવાજ સાંભળે છે, ત્યારે એ પોતાના લાંબા કાન નીચે ઢાળી દે છે.” અને ખેતરોમાં તેના આંટાફેરા પણ ઘટી ગયા છે – 2022 અને 2023માં ત્રણ-ચાર ધાડ પાડતો હતો, જે ઘટીને 2024માં બે વાર અને 2025માં માત્ર એક જ વાર થઈ હતી.















