પોતાના ઘાસની છતવાળા ઘરની બહાર બેઠેલાં 48 વર્ષીય ગોમતી વીરયન, વહેલી સવારે પોતાના પરિવાર માટે ઝડપથી ભોજન તૈયાર કરી રહ્યાં છે. અન્નાનગરનું આ એક સામાન્ય દૃશ્ય છે, જે મયિલાડુતુરઈ જિલ્લાના સિરકાળી તાલુકાના પળૈયારથી છ કિલોમીટર દૂર આવેલા તાંડવનકુલમ ગામની એક દલિત વસાહત છે. આ વિસ્તારની મોટાભાગની મહિલાઓની જેમ, ગોમતીનો દિવસ પણ પરોઢ પહેલાં, ચાર વાગ્યે શરૂ થઈ જાય છે. સવારના નિત્યક્રમમાં નજીકના નળમાંથી પીવાનું પાણી ભરવું, સાંકડા ઘરની સફાઈ કરવી અને ખુલ્લામાં લાકડાના ચૂલા પર રસોઈ બનાવવાનો સમાવેશ થાય છે.
“ગેસના બાટલા તો મળે છે, પણ આ સસ્તું પડે છે,” ગોમતી અનુભવી હાથોથી વાસણમાં ચમચો ફેરવતા સમજાવે છે. તેઓ તેમના પતિ, સાસુ અને પુત્ર માટે નાસ્તો અને બપોરનું ભોજન તૈયાર કરે છે, પણ એટલામાં સમય થઈ જાય છે અને તેમની પાસે પોતાના ખાવા માટે સમય જ બચતો નથી.
તેઓ ઉતાવળે પળૈયાર જવા નીકળે છે, જ્યાં તેઓ માછીમારી બંદર પર માછલી સૂકવવાનું કામ કરે છે. તેમનું કામ, નદીઓના પ્રવાહ અને ચંદ્રના ચક્રના આધારે નક્કી થાય છે, જે તેમના દિવસની શરૂઆતથી અંત સુધીની રૂપરેખા ઘડે છે.
એક પછી એક, મહિલાઓ પોતાના ઘરનાં કામકાજ પૂરાં કરીને ઓટના સમયે નદી કિનારે પહોંચી જાય છે. જો તેઓ પળૈયારમાં માછલી સૂકવવાના કામમાં લાગેલી હોય, તો તેઓ બસ પકડવા માટે આઠ વાગ્યા સુધીમાં નજીકના બસ સ્ટેન્ડે પહોંચી જાય છે. તેમનો સમય ભરતી-ઓટ પર આધાર રાખે છે. પળૈયાર માછીમારી બંદર પર માછલી સૂકવતાં ગોમતી કહે છે, “પળૈયાર અમારા લોકો માટે જીવાદોરી છે! અહીં આસપાસનાં ગામડાં માટે તે જ સર્વસ્વ છે.”
પળૈયાર એ કોલ્લીડમ નદીના મુખ પર આવેલું એક માછીમારી બંદર છે, જ્યાં તે બંગાળની ખાડીને મળે છે. મયિલાદુતુરાઈ જિલ્લામાં (જે 2020માં નાગપટ્ટિનમ જિલ્લામાંથી અલગ થયો હતો) આવેલું, તે તમિલનાડુના 12 માછીમારી બંદરોમાંનું એક છે, અને તે આસપાસનાં ગામડાંમાંથી આવતા હજારો કામદારોને ટેકો આપે છે જેઓ પોતાની આજીવિકા માટે માછલી પકડવા પર નિર્ભર છે.
ગોમતી વીરયન ઘણાં વર્ષોથી પળૈયાર માછીમારી બંદર પર માછલી સૂકવી રહ્યાં છે. ગોમતી સમજાવે છે, “મહિલાઓનું જીવન બંદર સાથે ગાઢ રીતે જોડાયેલું છે. અમે અહીં જન્મ પામીએ છીએ, અહીં જ લગ્ન પણ કરીએ છીએ ને અહીં જ અમારું જીવન વિતાવીએ છીએ. પહેલાં અમે ખેતરોમાં ડાંગર, બાજરી અને કઠોળ વાવવાનું કામ કરતાં હતાં. પણ હવે, તેના માટે કોઈ અવકાશ નથી — કાં તો વધુ પડતો વરસાદ પડે છે, કાં બિલકુલ નહીં, અને પાક સુકાઈ જાય છે.”
તેઓ આગળ કહે છે, “હું 15 વર્ષની હતી ત્યારથી નદીમાં મારા હાથ વડે ઝીંગા પકડી રહી છું. મારાં માતા અને સાસુ પણ એ જ કરતાં હતાં. મેં ગર્ભાવસ્થા દરમિયાન પણ ઝીંગા શોધીને પકડ્યા છે. આ આવકથી મેં મારાં બાળકોના શિક્ષણને ટેકો આપ્યો છે. જ્યાં સુધી હું જીવીશ, ત્યાં સુધી હું ઝીંગા પકડવાનું ચાલુ રાખીશ.”
બંદરથી છ કિલોમીટર દૂર આવેલા તેમના વિસ્તારની 20થી વધુ મહિલાઓ પણ આ કામમાં જોડાયેલી છે. પરૈયાર સમુદાયનાં (રાજ્યમાં અનુસૂચિત જાતિ તરીકે સૂચિબદ્ધ) ગોમતી કહે છે, “મહિલાઓ સવારે 6 વાગ્યાની બસ પકડીને કામે જાય છે. અમે ઝીંગા, માછલી અને સ્ક્વિડને ચાર-પાંચ વખત સાફ કરીએ છીએ, મીઠું લગાવીએ છીએ, સાચવીએ છીએ અને સૂકવીએ છીએ. અમે દરેક પ્રજાતિ પર અલગ-અલગ પ્રક્રિયા કરીને તેનાં અલગ બંડલ બનાવીએ છીએ.”




















