“પાણી ગંધાય છે, પણ અમારી પાસે બીજો કોઈ રસ્તો છે?"
સૂર્ય આથમવા લાગ્યો છે, બચ્ચા દેવી દિલ્હીની યમુના નદીમાં ડૂબકી લગાવવાની તૈયારી કરી રહ્યા છે. નવેમ્બરના પહેલા અઠવાડિયામાં - સૂર્ય, પાણી, હવા અને પ્રકૃતિને સમર્પિત વાર્ષિક તહેવાર - છઠ મહાપર્વની ઉજવણી કરવા કાલિંદી કુંજ ઘાટ પર ભેગા થયેલા નોઈડા, દિલ્હી અને ફરીદાબાદના હજારો લોકોમાં બચ્ચા દેવી પણ સામેલ છે. રાજેશ મંડલ કહે છે. "અમારા માટે છઠ એ સૌથી મોટો તહેવાર છે, દિવાળી કરતાં પણ મોટો." બિહારના ખગરિયાના 45 વર્ષના આ યુવાન દિલ્હીમાં સ્થળાંતરિત છે.
ચાર દિવસીય છઠ પૂજાના ત્રીજા અને સૌથી શુભ દિવસે - સંધ્યા અર્ઘ્યને દિવસે - પરિણીત મહિલાઓ લગભગ બે કલાક સુધી કમર સમાણાં પાણીમાં ડૂબકી લગાવીને અસ્ત થતા સૂર્યને પ્રાર્થના કરે છે. આ માટે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં રહેતા ભક્તો પાસે એકમાત્ર વિકલ્પ છે, જોખમકારક રીતે પ્રદૂષિત યમુના નદી.



















