તુલુનાડુના ગરનાલ સાઇબેર અથવા ફટાકડાના કારીગરોની અહીં કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારમાં વિવિધ સાંસ્કૃતિક ઉજવણીઓ માટે ખૂબ જ માંગ હોય છે. ભુત કોલા, તહેવારો, લગ્નપ્રસંગો, જન્મ દિવસની ઉજવણી, વાસ્તુ અને અંતિમ સંસ્કારમાં તેમની સહભાગિતાની ખૂબ જ આવશ્યકતા હોય છે.
‘ગરનાલ’નો અર્થ ફટાકડા થાય છે, અને 'સાઇબેર’ એ મુસ્લિમ વ્યક્તિ માટેનો સંદર્ભ છે.
મુલ્કી નગરના ગરનાલ સાઇબેર એવા આમીર હુસૈન કહે છે કે તેમના પિતાએ તેમને આ કળા શીખવી હતી, અને આ વ્યવસાય તેમના પરિવારમાં પેઢી દર પેઢી થતો આવ્યો છે.
કર્ણાટકની મણિપાલ એકેડેમી ઑફ હાયર એજ્યુકેશનના રિસર્ચ અસોસિએટ નિતેશ આંચન ઉમેરે છે, “ફટાકડા ફેંકવા અને તેને સંભાળવા એ એક ખતરનાક કામ છે, ખાસ કરીને ફટાકડા જ્યારે મોટા હોય ત્યારે.”
ઉડુપી જિલ્લાના અતરાડી ગામના એક યુવાન મુસ્લિમ, મુસ્તાક અતરાડી, ભૂત ધાર્મિક વિધિઓમાં ગરનાલ બનાવે છે અને ફેંકે છે, અને તેઓ ખાસ કરીને સૌથી શક્તિશાળી ગરનાલ એવા કદોની બનાવવામાં કુશળ છે. તેઓ કહે છે, “કદોની એ વિભિન્ન રસાયણોથી બનેલો બર્સ્ટિંગ પાવડર છે, જેને લાંબી પ્રક્રિયા પછી બને છે.” એવું કહેવાય છે કે જ્યાં કદોની ફૂટે છે, ત્યાંની જમીન પણ ધ્રુજી ઉઠે છે.


