ચંદ્રાવતી દેવી હસીને કહે છે, “કન્યાની માએ ચોખ્ખું કહ્યું છે કે ભેટમાં બીજું કંઈ નહીં, ફક્ત હાથવણાટની થોડી દૌરી જ આપવાની છે.” પોતાની ભત્રીજીના આવનારા લગ્નની ભેટોનો ઉલ્લેખ કરતાં તેઓ ઉમેરે છે, “અમે મોંઘી ભેટ તો ખરીદી શકીએ નહીં, એટલે અમારે ત્યાં આ જ રીતે ભેટ આપવાનો રિવાજ છે.”
બનિયા છાપર ગામનાં આ 45 વર્ષીય રહેવાસી સૂકા મૂંજ ઘાસમાંથી દૌરી નામની ટોપલીઓ વણવામાં કુશળ છે. હાથથી બનાવેલી આ વસ્તુઓ કન્યાઓ માટે લોકપ્રિય ભેટ છે અને આ વિસ્તારમાં લગ્નની વિધિઓમાં પણ વપરાય છે. ચંદ્રાવતી અડધો વીઘા ખેતીની જમીન ધરાવતાં ખેડૂત છે અને તેઓ પોતાના ફાજલ સમયમાં વણાટકામ કરે છે.
દૌરી બહુ ઉપયોગી છે. ચંદ્રાવતીની 18 વર્ષની દીકરી પુષ્પા કહે છે, “અમારી પાસે અનાજ, મીઠાઈઓ, લોટ કે શાકભાજી રાખવા માટે કબાટ નથી. અમે તેના બદલે દૌરીનો ઉપયોગ કરીએ છીએ.”
બિહારના ગોપાલગંજ જિલ્લામાં તેમના ઘરે, મૂંજ ઘાસના પૂળા દિવાલો પર ગોઠવેલા છે. આ ડિસેમ્બર મહિનો છે અને આ જંગલી ઘાસ તાજું જ એકઠું કરવામાં આવ્યું છે, જેને ઉનાળાના મહિનાઓમાં તડકામાં સૂકવવામાં આવશે.














