“શિલ કાટા-આ-ઓ-ઓ!”
ઉત્તર સોનારપુર નજીકના ગારિયા વિસ્તારમાં લાલબાબુ મહતોનો મોટો, તીણો અવાજ ગુંજી ઉઠે છે. બપોરના સાડા બાર વાગ્યા છે, અને અહીં કોલકાતાના નજીકના બજારમાં તેમના અવાજ સિવાય, ફક્ત થોડી ગપશપ સંભળાય છે.
ગલીમાં ઝડપભેર ચાલતા, પોતાના શિલ નોરા ટંકાવવા માગતા કોઈ ગ્રાહકની આશામાં તેઓ ફરી સાદ પાડે છે, "શિલ કાટા-આ-ઓ-ઓ!". બંગાળમાં શિલ કટાઓ એ ગ્રેનાઈટના ખરલ - શિલ - અને હાથેથી પકડવાના વાટવાના સાધન - નોરા પર ડિઝાઈન (ભાત) ટાંકવાનું પરંપરાગત કામ છે. શિલ-નોરા એ સિલ બટ્ટા અથવા તમિળ અમ્મી કલ્લુનો એક પ્રકાર છે, તેનો ઉપયોગ આખા મસાલાને - ભારતીય રસોઈમાં મુખ્ય એવી - ભીની સુગંધિત લુગદી અથવા પાવડરમાં ફેરવવા માટે થાય છે. ભારતીય રસોઈયા માને છે કે જ્યારે નોરાનું એકસરખું દબાણ સખત શિલ પર પડે છે, ત્યારે જ જડીબુટ્ટીઓ અને મસાલાઓ તેમના સ્વાદ-સુગંધનું સાચું સંયોજન છતું કરે છે.
તેઓ કહે છે, "તેનું મુખ્ય કામ મસાલાને વધુ બારીક બનાવવાનું છે." રસોડાના આ મહત્વપૂર્ણ સાધન વિશે લાલબાબુના અંતિમ શબ્દ છે, "કોઈ ફેન્સી મિક્સર તમને આના જેવી ગુણવત્તા આપી શકશે નહીં."
બિહારના સિવાન જિલ્લામાંથી સ્થળાંતરિત થયેલા લાલબાબુ કહે છે, "ભાગ્યે જ કોઈ નવા લોકો શિલ કાટાઓને વ્યવસાય તરીકે અપનાવે છે. અમે છેલ્લી પેઢી છીએ." તેઓ ઉમેરે છે, "લગભગ 10 વર્ષ પહેલાં પણ જ્યારે હું પહેલી વાર અહીં આવ્યો હતો ત્યારે માત્ર ખિદિરપુરમાં અમે 250 લોકો હતા. હવે મોટાભાગના વૃદ્ધ થઈ ગયા છે, અને નિવૃત્ત થઈ ગયા છે, અને આવું થકવી નાખનારું કામ કરવા માટે લાયક રહયા નથી."












