મહેબુબ પોતાના પરિવાર સાથે (જૂનની શરૂઆતમાં) ઈદ અલ-અજહા ઉજવવા માટે આ મે મહિનામાં બાલિયા હસેનનગર પાછા ફર્યા હતા. કડિયાકામ કરતા આ પરિવારે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ધીમે ધીમે કરીને તેમનું અઢી માળનું ઘર બાંધ્યું છે. તેમાં પાંચ રૂમ અને ભવિષ્યમાં દુકાન બનાવવા માટે ભોંયતળિયે થોડી જગ્યા છે. મહેબુબ તેમની પત્ની અને ગૃહિણી 30 વર્ષના સુર્ના બીબી અને તેમના ત્રણ બાળકો સાથે જ્યાં રહે છે તે ભાગની બંને બાજુ હજી સુધી પ્લાસ્ટર કરેલું નથી. તેમનો મોટો દીકરો 16 વર્ષનો બકુલ શેખ શાળા અધવચ્ચે છોડીને નજીકની દુકાનમાં કામ કરી રહ્યો છે. નાના દીકરાઓ - 12 વર્ષનો સાગર શેખ અને 7 વર્ષનો રેહાન શેખ - એક સ્થાનિક શાળામાં અભ્યાસ કરે છે. પવિત્ર કુરબાની અને મહેબુબના ઘેર પાછા ફરવાના પ્રસંગે તેમના પરિવારે ધાર્મિક બલિદાનની વ્યવસ્થા પણ કરી હતી.
પરંતુ તે થયું નહીં. "થાણે ખાતેના બાંધકામના સ્થળેથી વારંવાર કોલ આવતા. તેમણે તેને પાછો બોલાવી લીધો." મહેબુબ મહારાષ્ટ્ર પાછા ફર્યા હતા અને પરિવાર અને ઉજવણી પાછળ છોડીને તેમનું કામ ફરી શરૂ કર્યું હતું.
9 મી જૂનના રોજ તેઓ એક નાનકડી સ્થાનિક દુકાન પર ચા પી રહ્યા હતા ત્યારે પોલીસ તેમને કોઈ પણ ખુલાસા વિના પકડી ગઈ હતી અને થાણેના મીરા રોડ સ્થિત શ્રી એલ આર તિવારી કોલેજ ઓફ એન્જિનિયરિંગ પાસેના તેમના આઉટપોસ્ટ પર લઈ ગઈ હતી. રાત્રે તેમને મીરા રોડ પોલીસ સ્ટેશનમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યાં તેમની નાગરિકતા સાબિત કરવા માટે દસ્તાવેજો માંગવામાં આવ્યા હતા.
મહેબુબે આ પત્રકારને કહ્યું, "અધિકારીઓએ મને હિન્દીમાં પૂછ્યું, 'તું બાંગ્લાદેશી છે ને?' મેં કહ્યું, 'હું પશ્ચિમ બંગાળથી છું' અને તેમને મારું આધાર અને પાન કાર્ડ બતાવ્યું. તેઓએ કહ્યું, 'આજકાલ તો આ પાંચ રુપિયામાં ખરીદી શકાય છે'."
મહેબુબે કોઈક રીતે છાનેમાને બાલિયા હસેનનગરમાં રહેતા પોતાના પરિવારને ફોન કર્યો હતો, તેમણે તરત જ મહિષસ્થલી ખાતેની સ્થાનિક ગ્રામ પંચાયતનો સંપર્ક સાધીને બધા જરૂરી દસ્તાવેજો મીરા રોડ પોલીસ સ્ટેશનને મોકલી આપ્યા હતા. મહેબુબ કહે છે, "ચાર-ચાર દિવસ સુધી મેં ભારે માનસિક ત્રાસ સહન કર્યો. દિવસભર મને સ્ટેશનની બહાર બેસાડવામાં આવતો અને રાત્રે પોલીસ છાવણીમાં રાખવામાં આવતો."
મીરા રોડ પોલીસે ખોટું કર્યું હોવાના મહેબુબના દાવાનો પોલીસ વિરોધ કરે છે. સિનિયર ઇન્સ્પેક્ટર મેઘના બુરાદેએ જણાવ્યું હતું કે તેમનો "કોઈ દોષ નથી." અને મહેબુબ શેખ અને બીજા લોકોની અટકાયત પોલીસ કમિશનરના આદેશ પર કરવામાં આવી હતી.