જૂના હૈદરાબાદ શહેરમાં કોઈને પણ પૂછશો કે હૈદરાબાદી લાખની બંગડીઓ ક્યાં બનાવવામાં આવે છે તો તમને શહેરના લાડ બજાર (લાખ બજાર) માં ઓસ્માન કારીગરીનો રસ્તો ચીંધશે. હસ્તકલાની આ પ્રખ્યાત દુકાન પર નામનું કોઈ બોર્ડ નથી; થોડું કટાયેલું લોખંડનું શટર ખુલતા અંદર ત્રણ દિવાલોવાળો ઓરડો દેખાય છે, જેમાં લાખના કારીગરો શેખ અખીલ અને શેખ હાજીલ બેઠા છે, બે જણની વચ્ચે એક નીચું લોખંડનું ટેબલ છે.
આ ભાઈઓ એક દાયકાથી વધુ સમયથી હાથેથી બંગડીઓ બનાવી રહ્યા છે, અને બંને વ્યક્તિગત રીતે રોજની 500 બંગડીઓ બનાવી શકે છે. તૈયારીની જુદા જુદા તબક્કામાં હોય એવી લાખની બંગડીઓ આસપાસ ફેલાયેલી છે. ગુલાબી રંગે રંગેલો લાખનો બ્લોક ઉપાડતા અખીલ કહે છે, "ગુલાબી રંગ સૌથી વધુ લોકપ્રિય છે." ગુલાબી ઉપરાંત, કાળો, સોનેરી અને પીરોજી પણ ચળકતા કાચના મણકા જડિત આ રંગબેરંગી બંગડીઓ માટેના લોકપ્રિય રંગો છે, તૈયાર થઈ ગયા પછી આ બંગડીઓ પારદર્શક સેલોફેન બોક્સમાં એકની ઉપર એક ગોઠવવામાં આવે છે.
ચારમિનાર નજીક લાડ બજારની સાંકડી શેરીઓમાં આવેલી આ દુકાન કમ વર્કશોપમાં જૂના લાકડા અને પિત્તળની ગંધ આવે છે. અખીલ અને હાજીલ કામ શરૂ કરે એટલે નજીકની મસ્જિદમાંથી આવતા અઝાનના અવાજો અને બહાર રમતા બાળકોના અવાજો ધીમે ધીમે ઓછા થતા જાય છે. ઉંમરના ત્રીસીના દાયકાના મધ્યમાં પહોંચેલા આ ભાઈઓ, જેમણે જિંદગીમાં અત્યાર સુધી ફક્ત આ જ કામ કર્યું છે તેઓ તેમની કારીગરીમાં સંપૂર્ણપણે લીન થઈને શાંતિથી કામ કરવાનું પસંદ કરે છે.
તેઓ પારીને કહે છે કે દુકાનનું નામ એક સંબંધીના નામ પરથી 'ઓસ્માન' રાખવામાં આવ્યું છે. અખિલ કહે છે, “તેઓ આ દુકાનના માલિક છે પણ અહીં કામ કરતા નથી. ફક્ત મારો ભાઈ અને હું જ કામ કરીએ છીએ,” અને ઉમેરે છે કે તેઓ કોઈ ભાડું ચૂકવતા નથી.














