એમ. ઇન્દ્ર કુમાર કર્ણાટકના ચામરાજનગર જિલ્લામાં આવેલા બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાનની નજીકના મંગલા ગામના વતની છે. ઘણા સમય પહેલાં તેમના પરિવાર પાસે જમીન હતી, પણ હવે પોતાની માલિકીની કોઈ જમીન નથી. 38 વર્ષના ઇન્દ્ર કુમાર તેમનાં પત્ની અને બે બાળકો સાથે રહે છે. તેમનાં બાળકો અહીંથી 19 કિલોમીટર દૂર આવેલા ગુંડલુપેટ ગામની શાળામાં બસ દ્વારા ભણવા જાય છે.
ઇન્દ્ર કુમાર પોતાના ગામમાં આવેલી વન્યજીવન સંબંધિત સ્મૃતિચિહ્નોની એક દુકાનમાં મેનેજર તરીકે કામ કરે છે, જે મરિયમ્મા ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યોને ટેકો આપે છે. તેઓ પશુધન પર થતા જંગલી પ્રાણીઓના હુમલાની વિગતો નોંધીને પણ ટ્રસ્ટને મદદ કરે છે. આ ટ્રસ્ટ અભયારણ્યની આસપાસ રહેતા ગામલોકો જ્યારે વાઘ, દીપડા અને જંગલી કૂતરા જેવા શિકારી પ્રાણીઓના હુમલામાં પોતાનાં પશુઓ ગુમાવે, ત્યારે તેમને આર્થિક વળતર આપવાનું કામ કરે છે.












