નવીન કુમાર ટમ્ટા કામ કરી રહ્યા હોય તેવા ફોટા અને વીડિયો મુલાકાતીઓમાગે તેનાથી તેઓ ટેવાયેલાછે. ઉંમરના પચાસના દાયકામાં પહોંચેલા નવીન કુમાર - ઉત્તરાખંડના અલમોડામાં તાંબાની કલાકૃતિઓ અને ઘરગથ્થુ ઉપયોગની વસ્તુઓ પર સુંદર ડિઝાઇન બનાવતા - એક જાણીતા કંસારા છે.
ટમ્ટા પેઢીઓથી કંસારા તરીકે કામ કરતા પરિવારમાંથી આવે છે, તેઓ સેંકડો વર્ષો પહેલા રાજસ્થાનથી હિમાલયના કુમાઉ પ્રદેશમાં આવ્યા હોવાનું કહેવાય છે. તેમની પહેલી વસાહત લોહાઘાટના ગોસ્ની ગામ પાસે હતી. પાછળથી રાજધાની ચંપાવતથી અલમોડા સ્થાનાંતરિત થતાં કેટલાક કંસારા પરિવારો અહીં રહેવા આવ્યા.
ઘણા લાંબા સમય સુધી કંસારાનું કામ એ એક પારિવારિક કામ હતું. કારીગર પ્રદીપ ટમ્ટા કહે છે, "પહેલાં બધા મજાક કરતા અને વાતો કરતા. સ્પર્ધા પણ હતી. તે સ્પર્ધાત્મક ભાવનામાં બધા વધુ સારી રીતે કામ કરતા."
મહિલાઓ આ પ્રક્રિયાનો એક અભિન્ન ભાગ હતી. તેઓ નજીકના જંગલોમાંથી ભઠ્ઠી માટે લાકડા એકઠા કરતી, તૈયાર થયેલી વસ્તુઓને પોલિશ કરતી, ભઠ્ઠીના પંખાને ફેરવતી અને રેણ માટેનો પાવડર તૈયાર કરતી. ઘણી મહિલાઓએ રસોઈ અને પરિવારની સંભાળ રાખવાની સાથેસાથે ડિઝાઇનિંગ અને ટીપતાં પહેલા ધાતુની શીટ તપાવવા જેવા બીજા કાળજી માગી લેતા કામો પણ કરતી.































