સપ્ટેમ્બર 2017નો ગુરુવારનો દિવસ છે, અને સવારના લગભગ 10 વાગ્યા છે. લાલતી દેવી પાસવાન અને શોભા ભારતી ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાના રોબર્ટસગંજ શહેરમાં જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસની બહાર પ્લાસ્ટિકની બેન્ચ પર રાહ જોઈ રહ્યાં છે. આ બંને મહિલાઓ શાંત છે. તેમણે આવું ઘણી વાર કર્યું છે.
લાલતી દેવી અને તેમના પતિ શ્યામલાલ પર 20થી વધુ ફોજદારી કેસ નોંધાયેલા છે. તેઓ ડીએમને એ કહેવા આવ્યાં છે કે ગામના કેટલાક લોકો તેમના વિશે અફવાઓ ફેલાવી રહ્યાં છે - તેમની વિશ્વસનીયતા અને તેમના યુનિયનના કામને નબળું પાડવા માટે - તેમને ડાયન એટલે કે ડાકણ કહીને, તેમનું જીવન વધુ મુશ્કેલ બનાવી રહ્યાં છે. 60ના દાયકામાં પ્રવેશેલાં લાલતી કહે છે, “ડીએમને મળવું જરૂરી છે. તેમણે અમારો અવાજ સાંભળવો પડશે અને અમને જોવાં પડશે જેથી અમે કાનૂન [કાયદા] નો ઉપયોગ કરીને પરિસ્થિતિ બદલી શકીએ.”
શોભા, જેમની ઉંમર 50ના દાયકામાં છે, તેઓ કહે છે, “હું ન્યાયની રાહ જોઈ રહી છું. હું વળતર માટે મારી અરજી દાખલ કરવા આવી છું. સ્થાનિક સરકારે [બળાત્કારનો ભોગ બનેલી મહિલાઓને] આ ટેકો આપવો પડે છે, પરંતુ ડીએમએ મારી ફાઈલ આગળ વધારી નથી.” શોભા અને તેમના પતિ પર વન વિભાગ દ્વારા ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે, અને એવાં કૃત્યો માટે પણ તેમનાં નામ જૂથ કેસોમાં સામેલ છે, જેમાં તેઓ કહે છે કે તેમની કોઈ ભૂમિકા જ નથી.
દલિત સમુદાયમાંથી આવતી આ બંને મહિલાઓ ડીએમ પ્રમોદ ઉપાધ્યાયની ઓફિસમાં જવા માટે ધીરજપૂર્વક એક કલાક રાહ જુએ છે. તેમની સાથે અખિલ ભારતીય વન શ્રમજીવી સંઘ (એઆઈયૂએફડબલ્યૂપી)નાં મહાસચિવ રોમા મલિક અને રોબર્ટસગંજમાં યુનિયનની ઓફિસના અન્ય સભ્યો છે. મલિક સોનભદ્ર જિલ્લામાં 18 વર્ષથી કામ કરી રહ્યાં છે. તેઓ કહે છે, “પોલીસની ક્રૂરતાના ઘણા એવા કિસ્સા છે જેની અમે વહીવટીતંત્ર સાથે ચર્ચા કરવા માગીએ છીએ.”








