ચોમાસાનો વરસાદ ઉત્તર કેરળના કોળિકોડને ઘમરોળી રહ્યો છે, પરંતુ રાત્રે જિલ્લા કલેકટરની ઓફિસની બહાર સૂતેલા વૃદ્ધને તેનાથી કોઈ પરેશાની થતી હોય તેમ લાગતું નથી. ઉપર તાણેલો કાપડનો તંબુ તેમને માંડ થોડો આશરો પૂરો પાડે છે. દિવસે તેઓ વિરોધ કરી રહેલા આદિવાસી પરિવારો સાથે ખભે ખભો મિલાવીને બેઠા જોવા મળે છે: લગભગ 70 દિવસથી નિલમ્બુરના 60 આદિવાસી પરિવારો નજીકના મલ્લપુરમમાં જમીનની માંગણી સાથે અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા છે, આ જમીન તેમને આપવાનું સરકારે લાંબા સમયથી આપેલું વચન હજી પૂરું કરાયું નથી.
આ આંદોલનના કેન્દ્રમાં - તેના કન્વીનર (સંયોજક), તેમાં સૌથી વધુ નિયમિત હાજરી આપનાર, તેના નૈતિક સિદ્ધાંતો અને મૂલ્યોને જાળવી રાખનાર - કોઈ હોય તો તે છે 96 વર્ષના આયિનૂર વાસુ અથવા 'ગ્રો' વાસુ, તેમને પ્રેમથી આ નામે બોલાવવામાં આવે છે. સુકલકડી બાંધો અને સૌમ્ય અવાજમાં એક અડગ મનોબળ છે. જે ઉંમરે મોટાભાગનાપુરુષો રોજિંદા જીવનની ફરજોથી ઈરાદાપૂર્વક દૂર રહી શાંતિ અને આરામ ઈચ્છે છે ત્યારે વાસુ વંચિતોને મદદ કરવા માટે પોતાનાથી બનતું બધું કરી છૂટે છે. તેઓ કહે છે, "સરકાર તકનીકી બાબતો (કાયદાના ઉદ્દેશ્યથી વિરુદ્ધ હોય એવી કોઈ નાની વિગત) ના નામે આ [આદિવાસી] પરિવારો સાથે છેતરપિંડી કરી રહી છે." કરચલીઓની નીચે તેમની આંખોમાં એક તીવ્ર જુસ્સો છે. "જમીન એ તેમનો અધિકાર છે, એ કોઈ ખેરાત નથી."
આ જ નિલમ્બુર પરિવારોએ આઈટીડીપી (ઈન્ટિગ્રેટેડટ્રાઈબલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ - સંકલિત આદિજાતિ વિકાસ યોજના) ના કાર્યાલય સમક્ષ 2023-24 માં આદરેલી 314 દિવસની ભૂખ હડતાળ બાદ આ આંદોલન શરૂ થયું છે.
જિલ્લા કલેક્ટરે લેખિતમાં 60 પરિવારોમાંના દરેકને છ મહિનાની અંદર 50 સેન્ટ જમીન આપવામાં આવશે એવી ખાતરી આપ્યા બાદ આ વિરોધ પ્રદર્શન પાછું ખેંચવામાં આવ્યું હતું. પરંતુ 15 મહિના પછી જ્યારે સરકારના વચનો બહાનામાં ફેરવાઈ ગયા ત્યારે આ પરિવારો તેમનો વિરોધ ચાલુ રાખવા માટે ફરીથી રસ્તા પર ઊતરી આવ્યા હતા. અને એક સમયે ખતરનાક નક્સલવાદી તરીકે ઓળખાતા ગ્રો વાસુ મોટાભાગની રાતો સત્યાગ્રહ પંડાલની કઠણ ધરતી પર વિતાવે છે.
તાજેતરના વર્ષોમાં સરકાર સાથે તેમની આ પહેલી અથડામણ નથી. 2023 માં કોળિકોડ જિલ્લામાં પોલીસ કાર્યવાહી સામેના વિરોધમાં તેમની ભૂમિકા માટે તેમણે બે મહિના જેલમાં વિતાવ્યા હતા. આ કેસ નવેમ્બર 2016નો છે, જ્યારે તેઓ કોળિકોડ મેડિકલ કોલેજના શબઘરની બહાર ઊભા રહીને નિલમ્બુર જંગલોમાં કથિત નકલી એન્કાઉન્ટરમાં થયેલા માઓવાદીઓ કોપ્પમ દેવરાજન અને અજિતાના મોતની ન્યાયિક તપાસની માંગ કરી રહ્યા હતા.
તેમની ધરપકડ કરવામાં આવી ત્યારે તેમણે જામીન માટે અરજી કરવાનો ઇનકાર કર્યો હતો. અગાઉની જેમ જ જેલવાસથી તેઓ ભાંગી પડ્યા નહોતા; આરોપમાંથી નિર્દોષ છૂટકારાએ સરકાર દ્વારા આચરવામાં આવતા જુલમ સામેની તેમની ટીકાને વધુ તીવ્ર બનાવી હતી.








