આ લેખ પાર્થ એમ. એન. દ્વારા રિપોર્ટ થતી અને પુલિત્ઝર સેન્ટર દ્વારા સમર્થિત એક શ્રુંખલાનો ભાગ છે.
માથે દેવાનો ડુંગર હોવા છતાં, મોહોટે ગામના કેરુ દહિફળે મે 2025ના પહેલા અઠવાડિયામાં પોતાના આખા ગામ માટે એક ભવ્ય ભોજન સમારંભનું આયોજન કરતાં અચકાયા નહીં. તેમની પતરાના છાપરાવાળી ઝૂંપડી સામે આવેલા એક એકરના ખેતરમાં લગભગ 3,000 લોકો ભેગા થયા અને ભવ્ય શાકાહારી ભોજનની મિજબાની માણી.
આનો ખર્ચ: 1.5 લાખ રૂપિયા.
70 વર્ષીય દહિફળે પાસે આટલા પૈસા હતા જ નહીં. એટલે તેઓએ એક ખાનગી શાહુકાર પાસેથી દર મહિને 3 ટકાના વ્યાજે, એટલે કે વાર્ષિક 36 ટકાના વ્યાજે ઉધાર લીધા. શિયાળુ પાકની મોસમ નિરાશાજનક રહી હોવાથી આ દેવું તેમના ગળાનો ગાળિયો વધુ કસે તેમ છે. તેઓએ ડુંગળી વાવી હતી, પરંતુ દુકાળને કારણે પાક સુકાઈ ગયો અને તેમનું 35,000 રૂપિયાનું રોકાણ ધોવાઈ ગયું.
બે ટંકના ભોજન માટે સંઘર્ષ કરવા છતાં, દહિફળેએ તે ભોજન સમારંભનું આયોજન કરવા વિશે ક્યારેય બીજો વિચાર નહોતો કર્યો. તેઓ કહે છે, “નહીં તો, દેવી મારા પર પ્રસન્ન નહીં થાય અને મારી મનોકામનાઓ પૂરી નહીં કરે.”
મોહોટે ગામ અહિલ્યાનગર (પૂર્વે અહમદનગર) જિલ્લાના પાથર્ડી તાલુકામાં આવે છે. દહિફળેનું ઘર પ્રખ્યાત મોહટા દેવી મંદિરથી નીચે ઉતરતાં એક વાંકાચૂકા રસ્તા પર આવેલું છે. આ મંદિર એક ભવ્ય ચાર માળની ઇમારત છે, જેનું 2009 થી 2013ની વચ્ચે લગભગ 20 કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું હતું. તે મહારાષ્ટ્ર રાજ્યના સૌથી લોકપ્રિય હિન્દુ યાત્રાધામોમાંનું એક છે, જ્યાં દર વર્ષે 25 લાખ શ્રદ્ધાળુઓ આવે છે.













