દર ચાર વર્ષે એકવાર, ગોંડ આદિવાસીઓ લાંબી મુસાફરી કરીને છત્તીસગઢના કાંકેર જિલ્લાના (ઉત્તર બસ્તર) અંતાગઢ તાલુકામાં આવેલા લગભગ 200 લોકોની વસ્તી ધરાવતા સેમરગાંવ પહોંચે છે. તેઓ પોતાના પૂર્વજોની સ્મૃતિમાં ઉજવાતી આ જાત્રા (ઉત્સવ) માટે પડોશી જિલ્લાઓ કોંડાગાંવ અને નારાયણપુરથી આવે છે. ગોંડ સમુદાયની એવી માન્યતા છે કે સમાજના વડીલો મૃત્યુ પછી પણ આપણી વચ્ચે જ રહે છે; તેઓ પૂર્વજ દેવી-દેવતાઓના રૂપમાં પૂજાય છે અને આ જાત્રા દરમિયાન અહીં મુલાકાતે આવે છે. મેં માર્ચ 2018માં આ ઉત્સવમાં ભાગ લીધો હતો.
‘પહાંદી પારી કુપાર લિંગો કારસાદ જાત્રા’ તરીકે ઓળખાતો આ ‘દેવતાઓનોમહાસંગમ’ત્રણ દિવસ ચાલે છે અને તેમાં અંદાજે 20,000 લોકો ઉમટી પડે છે. આ ઉજવણી ગોંડ પૌરાણિક કથાઓના પિતામહ, પારી કુપાર લિંગોના માનમાં કરવામાં આવે છે. તેઓ એ દેવતા છે જેમણે આ સમાજને સાંસ્કૃતિક અને સંગીતનો સમૃદ્ધ વારસો આપ્યો છે, અને આ વારસો જ ગોંડ સમાજને તેમની આગવી ઓળખ બક્ષે છે.
કોંડાગાંવ જિલ્લાના ખાલેમુરબેંડ ગામના ગોંડ આદિવાસી અને આ મહોત્સવના આયોજકોમાંના એક, બિષ્ણુદેવ પડ્ડા કહે છે, “પહેલાં, આ જાત્રા દર 12 વર્ષે, પછી દર નવ વર્ષે, પછી સાત વર્ષે અને હવે દર ચાર વર્ષે યોજાય છે.” તેઓ ઉમેરે છે, “પહેલાં ઓછા લોકો આવતા હોવાથી તેનું મહત્ત્વ ઓછું હતું, પરંતુ હવે તે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તેના વિશે સાંભળીને અને વાંચીને ઘણા લોકો અહીં ભેગા થાય છે.” મોબાઇલ ફોન, મોટરબાઇકની સુલભતા અને ઉત્સવના સ્થળે પહોંચવા માટે ઉપલબ્ધ ભાડાની ટૅક્સીઓએ આ ઉત્સવના પ્રચાર અને લોકપ્રિયતામાં મોટો ફાળો આપ્યો છે.
જ્યારે મેં બિષ્ણુદેવને પૂછ્યું કે લોકો ઉત્સવમાં શું કરે છે, ત્યારે તેઓ કહે છે, “કોયા સમુદાયના [અહીં આદિવાસી લોકો માટે વપરાતો શબ્દ, પણ ગોંડ, મુરિયા અને કોયા એ એક જ આદિવાસી જૂથ છે – જે અનુક્રમે બસ્તર, તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં વસે છે] કુલ 750 ગોત્રમાંથી, લગભગ 72 ગોત્ર અહીં બસ્તરમાં છે. આ કુળોના લોકો પોતાની સાથે તેમના મંડકુ પેન [દેવતાઓ] લાવે છે, જેઓ અહીં એકબીજાને મળે છે.” (આ ગોત્રોનું પ્રતિનિધિત્વ એક ટોટેમ દ્વારા થાય છે – જે બકરી, વાઘ, સાપ અને કાચબા જેવાં વિવિધ જીવો અને પ્રાણીઓના પ્રતીકો છે. ગોંડ લોકો પોતાના ટોટેમની પૂજા કરે છે અને તે પ્રજાતિના સંરક્ષણમાં મદદ કરે છે).
તો આ ‘પેન’કોણ છે? કાંકેર શહેરમાં રહેતા અને આજીવિકાના મુદ્દાઓ પર એક બિન-સરકારી સંસ્થા સાથે કામ કરતા ગોંડ કાર્યકર્તા કેશવ સોરી કહે છે, “પેન અમારા પૂર્વજો છે. અમારા માટે, જે વડીલો હવે હયાત નથી, તેઓ સ્વર્ગીય નથી; બલ્કે, તેઓ પેન બની જાય છે. અમે માનીએ છીએ કે તેઓ હજી પણ અમારી સાથે છે અને અમે તેમની પૂજા કરીએ છીએ. અમે મિત્રો અને સંબંધીઓના પેનની પણ મુલાકાત લઈએ છીએ. ગોંડ સમુદાય તેમના પેન સાથે અહીં એકઠા થાય છે, અને દરેક જણ એકબીજા સાથે વાતચીત કરે છે અને ઉજવણી કરે છે.”
એવી માન્યતા છે કે પેન, એટલે કે પૂર્વજ દેવી-દેવતાઓ, આ જાત્રામાં નૃત્ય કરે છે, રડે છે અને એકબીજાને ભેટે છે. લોકો અહીં તેમની સાથે પોતાની સમસ્યાઓ વહેંચવા આવે છે અને બદલામાં, તેઓ ઉકેલ સૂચવે છે. કેટલાક આદિવાસીઓ તેમને ગલગોટાના હાર ચઢાવે છે, અને મને કહેવામાં આવ્યું કે પેનને ફૂલો ખૂબ પ્રિય છે – જે જાત્રામાં ઠેર-ઠેર વેચાતા જોવા મળે છે.
કાંકેર જિલ્લાના ઘોટિયા ગામના પૂજારી દેવસિંહ કુરેતી કહે છે, “અમે આંગા [દેવતાઓ]ને ઊંચકીને લિંગો ડોકરા [ડોકરા એટલે વડીલ, જે દેવ કે ભગવાન માટે વપરાતો એક સ્નેહભર્યો શબ્દ છે]ની સેવા કરીએ છીએ. અમે તેમને ફૂલ, સોપારી, લાલી (કંકુ) અને લીંબુ અર્પણ કરીએ છીએ; અમે તેમના માટે ડુક્કર અને બકરાંની બલિ પણ ચઢાવીએ છીએ.” પરંપરાગત રીતે, લોકો દૂર-દૂરથી, ઘણીવાર આખી રાત પગપાળા ચાલીને, લાકડાની પાલખીઓમાં આંગાને ઊંચકીને, ફૂલો, મરઘી અને બકરાં જેવી ભેટ-સોગાદો સાથે આ ઉત્સવમાં આવે છે. આ વર્ષે, મેં કેટલાક વાહનો પણ જોયાં જેમાં લોકો આંગા લઈને આવ્યા હતા – જેમની સાથે હું ઉત્સવમાં ગયો હતો તે કેશવ સોરીના મતે, આ એક નવો બદલાવ જણાય છે.
મેં આ વિશે લગભગ 50 વર્ષના સરકારી કર્મચારી જે.આર. મંડાવીને પૂછ્યું, જેઓ તેમના આંગાને બોલેરો ગાડીમાં લઈને આવ્યા હતા. તેઓ કહે છે, “ભલે હું ઘોડાગાંવથી આવું છું, પણ અમારા દેવ કાંકેર જિલ્લાના તેલાવત ગામમાં છે. પહેલાં અમે આ આંગાને ખભા પર ઊંચકીને પગપાળા મુસાફરી કરતા હતા, પરંતુ હવે અમારા પરિવારમાં સભ્યો ઓછા હોવાથી, આટલું લાંબું અંતર [લગભગ 80 કિલોમીટર] કાપવું મુશ્કેલ હોયછે. તેથી અમે આંગાની પરવાનગી માગી અને જ્યારે આંગાઉડુમ કુમારીએ [બધા આંગાલિંગો દેવ સાથે સંબંધિત છે] અમને પરવાનગી આપી, ત્યારે અમે તેમને આ વાહનમાં અહીં લઈ આવ્યા.”
કાંકેર જિલ્લાના ડોમાહાર્રા ગામના મૈતુરામ કુરેતી, જેઓ પોતાના આંગાને ખભા પર ઊંચકીને જાત્રામાં લાવ્યા છે, મને કહે છે, “આ અમારા પૂર્વજોની ભૂમિ છે. અમે અમારી સાથે એક વૃદ્ધ માતાને લાવ્યા છીએ; તેઓ લિંગો દેવનાંસંબંધી છે. અમારાંદેવી એવા સ્થળોની મુલાકાત લે છે જ્યાં તેમને [અન્ય દેવતાઓને મળવા] આમંત્રણ મળે છે અને તેઓ પણ અન્ય દેવતાઓને મળવા માટે આમંત્રણ આપે છે.”
જ્યાં લિંગો દેવનો વાસ હોવાનું મનાય છે તે પવિત્ર ઉત્સવ સ્થળમાં પ્રવેશતા પહેલાં, પરિવારો વૃક્ષો નીચે આરામ કરે છે. તેઓ લાકડાના ચૂલા પર ભાત, શાક, મરઘી અને અન્ય વાનગીઓ બનાવે છે, અને બાફેલી રાગીનું (બાજરા જેવું ધાન્ય) પાણી પીએ છે. કાંકેર જિલ્લાના કોલિયારી ગામના ઘસ્સુ મંડાવી પણ તેમાંથી એક છે. તેઓ કહે છે, “અમે મૂડ ડોકરાને લાવ્યા છીએ, જે લિંગો દેવના મોટા ભાઈ છે. તેમના નાના ભાઈ અને તેમના દીકરા-દીકરીઓ પણ અહીં છે. આ એક જૂની પરંપરા છે અને લિંગો ડોકરાના પરિવારના સભ્યો એકબીજાને મળવા અહીં ભેગા થાય છે.”
ઉત્સવના મેદાનમાં, ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીની મનાઈ છે. તાજેતરમાં, ગોંડ સંસ્કૃતિ અને પરંપરાને, ખાસ કરીને દૃશ્ય માધ્યમો દ્વારા, ખોટી રીતે રજૂ કરવામાં આવી છે. તેથી તેઓ હવે સાવચેત થઈ ગયા છે. હું પણ એ વાતનું ધ્યાન રાખું છું કે ફોટા ફક્ત ઉત્સવના મેદાનની બહાર જ લઉં.



















