સવારના 9 વાગ્યે, એસ્લાવત બન્યા નાયક વટવરલાપલ્લે ગામ નજીક હૈદરાબાદ-શ્રીશૈલમ હાઇવે પર લગભગ 150 ખડતલ ગાયોના ધણને હાંકી રહ્યા છે. તેઓ પૂર્વી ઘાટની નલ્લામાલા પર્વતમાળામાં આવેલા અમરાબાદ ટાઇગર રિઝર્વના મુખ્ય વિસ્તારમાં પ્રવેશે છે. અહીં, કેટલીક ગાયો ઘાસ ચરે છે, જ્યારે બીજી કેટલીક કૂણી કૂંપળોવાળી ડાળીઓ સુધી પહોંચવા મથે છે.
75 વર્ષીય નાયક લંબાડી સમુદાયના છે, અને તેમનાં પશુઓ, અહીંના ઘણા પશુપાલકોની જેમ તુરુપુ ઓલાદનાં છે. લંબાડી (એક અનુસૂચિત જનજાતિ), યાદવ (ગોલ્લા) (એક OBC) અને ચેંચુ (એક વિશેષ રીતે સંવેદનશીલ આદિવાસી જૂથ) તુરુપુના પરંપરાગત પશુપાલકો છે. આ પ્રાણીઓના શિંગડા ટૂંકા અને તીક્ષ્ણ હોય છે અને તેમની ખરીઓ કઠણ અને મજબૂત હોય છે. તેઓ ભીની તેમજ સૂકી પથરાળ જમીન જેવા અલગ-અલગ પ્રકારના ભૂપ્રદેશમાં સહેલાઈથી હરીફરી શકે છે અને ભારે ભાર પણ આસાનીથી ખેંચી શકે છે. તેઓ આ પ્રદેશની ગરમીમાં લાંબા સમય સુધી ઓછા પાણીએ પણ ટકી શકે છે.
તેલંગાણા-કર્ણાટક સરહદ પરના ગામો કે જ્યાંથી ઘણા ખેડૂતો આ ગાયો ખરીદવા આવે છે, તેમની પૂર્વમાં અમરાબાદ પેટા-જિલ્લો આવેલો હોવાથી અને આ ઢોરના શરીર પર ટપકાં હોવાથી, અહીંના લોકો તેમને ‘પોડા તુરુપુ’ કહે છે. તેલુગુમાં ‘પોડા’નો અર્થ ‘ટપકું’ અને ‘તુરુપુ’નો અર્થ ‘પૂર્વ’ થાય છે. જે નાના અને ગરીબ ખેડૂતો ટ્રેક્ટર અને અન્ય ખેતીના મશીનો ખરીદી શકતા નથી, તેમના માટે પોડા તુરુપુ ખૂબ જ મદદરૂપ થાય છે.















