દનામતી માઝીને મળતા પેન્શનનો લગભગ અડધો હિસ્સો એક દંતમંજન પાછળ ખર્ચાઈ જાય છે જેમાં ગોળ અને તમાકુ જેવી સામગ્રી હોય છે.
તેઓ કહે છે, “મને 1,000 રૂપિયા પેન્શન મળે છે, જેમાંથી 500 રૂપિયા હું મારા ભાઈના દીકરાની વહુને આપી દઉં છું, જે મને ખાવાનું આપે છે.” “બાકીના પૈસા હું મીઠું, મરચું, સાબુ, માલિશ માટે તેલ અને ગુડાખુ ખરીદવામાં વાપરું છું.”
જ્યારે આ પત્રકારે તેમને મજાકમાં પૂછ્યું કે હવે મોઢામાં માંડ બે-ચાર દાંત બચ્યા છે, ત્યારે દંતમંજન પાછળ આટલો બધો ખર્ચો? આ સાંભળીને તેમણે આછું સ્મિત કરીને કબૂલ્યું, “એના વગર મને ચેન જ નથી પડતું. આ તો એક લત છે, જેવી તમારા લોકોને ગુટખાની [ચાવવાની તમાકુ] હોય છે ને, બસ એવી જ.”
દનામતી માટીના ઘરમાં રહે છે, જેનું છાપરું પણ માટીનાં નળિયાનું બનેલું છે. આ એક ઓરડીના ઘરમાં બહુ ઓછો સામાન છે અને અંદર પણ વાંકા વળીને જવું પડે છે. ઘરવખરીના નામે રાગી દળવા માટે પથ્થરની ઘંટી, એક બેટરી, માટીનો ચૂલો અને કપડાં રાખવા માટે વાંસની ટોપલી જ છે. આ વૃદ્ધ મહિલા માટીની લાદી પર જ સૂઈ જાય છે.
અમે વાતચીત શરૂ કરી કે તરત જ તેઓ પથ્થરની ઘંટી કાઢે છે અને દળતાં-દળતાં પોતાના બાળપણની વાતો કરે છે. દેશના સૌથી ગરીબ વિસ્તારોમાંનો એક એવા ઓડિશાના કાલાહાંડીમાં, ત્યાં તેઓ કેવી રીતે મોટાં થયાં એની યાદો વાગોળે છે.












