મે, 2026 નો એક રવિવાર છે, અને પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણામાં મતુઆ સમુદાયના આધ્યાત્મિક સ્થાન ઠાકુરવાડી (સ્થાનિક ભાષામાં ઠાકુર બારી) ખાતે મોટી ભીડ એકઠી થઈ છે. પરંતુ મોટાભાગના લોકો અહીં મંદિરમાં પ્રાર્થના કરવા નથી આવ્યા. એથી વિપરીત ઉનાળાની ગરમીમાં તેઓ પોતાની નાગરિકતા સાબિત કરી શકે એવા દસ્તાવેજો મેળવવાની રાહ જોતા લાંબી કતારોમાં ઊભા છે.
આ એ લોકો છે જેમના નામ (મતદાર યાદીમાંથી) કાઢી નાખવામાં આવ્યા હતા - મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર - ખાસ સઘન સુધારણા) દરમિયાન જેમના નામ કાઢી નાખવામાં આવ્યા છે એવા 90 લાખથી વધુ લોકોમાં તેમનો સમાવેશ થાય છે. એપ્રિલ, 2026માં યોજાયેલી રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓમાં તેઓ મતદાન કરી શક્યા નહોતા.
મતુઆ સમુદાયનું પ્રભુત્વ ધરાવતા 15 વિધાનસભા મતવિસ્તારોમાં મોટા પાયે હિન્દુ નામો કાઢી નાખવામાં આવ્યા હતા.
લલિતા ડ્હાલી પણ ઠાકુરવાડી ખાતેની ભીડનો એક ભાગ છે, તેઓ તેમના પતિ કાર્તિક સાથે હિન્દુ કાર્ડ મેળવવા માટે અહીં આવ્યા છે. કબિલાશપુરના રહેવાસી 43 વર્ષના આ મહિલા સ્કૂટી પર લગભગ 30 કિલોમીટરની મુસાફરી કરીને અહીં આવ્યા છે. અંતિમ એસઆઇઆર યાદીમાં તેમનું નામ આવ્યું નથી, પરંતુ કાર્તિકનું નામ આવી ગયું છે.
લલિતાના દાદા અને પિતા 1950 ના દાયકામાં ભારત આવ્યા હતા, પરંતુ 1984 માં બાંગ્લાદેશ પાછા ફર્યા હતા. થોડા વર્ષોમાં તેઓ ફરી ભારત પાછા આવ્યા હતા. 53 વર્ષના કાર્તિક કહે છે, "ઓર બાબા એપાર ઓપાર કોરતો. કે જાને કોન પારે જોન્મેછે [તેમના પિતા આ તરફ અને પેલી તરફ કર્યા કરતા. કોણ જાણે તેઓ કઈ બાજુ જન્મ્યા હતા]."
મતુઆ સમુદાય 19 મી સદીના અંતમાં ઊભરી આવેલ બ્રાહ્મણ વિરોધી સંપ્રદાય છે. આ સમુદાય હરિચાંદ ઠાકુરે અવિભાજિત બંગાળના પૂર્વ ભાગમાં નીચલી જાતિઓ, મુખ્યત્વે નામશુદ્રોને સંગઠિત કર્યા એ દરમિયાન ઊભરી આવ્યો હતો. નામશુદ્રો બંગાળમાં શિડ્યુલ્ડ કાસ્ટ - અનુસૂચિત જાતિ - તરીકે સૂચિબદ્ધ છે. મોટી સંખ્યામાં મતુઆ સમુદાયના લોકો મજબૂરીમાં પશ્ચિમ બંગાળમાં સ્થળાંતરિત થયા હતા અને તેમની પાસે દસ્તાવેજો પણ નથી. અયન ગુહા જણાવે છે, "વિભાજન પછી પૂર્વ પાકિસ્તાન/બાંગ્લાદેશમાં નામશુદ્રો ધાર્મિક અત્યાચારનો ભોગ પણ બન્યા હતા." યુનિવર્સિટી ઓફ સસેક્સ, યુકેના ફેલો ગુહાએ પશ્ચિમ બંગાળમાં જાતિ આધારિત રાજકારણ પર વ્યાપકપણે કામ કર્યું છે.












