દુર્ગા અને નારાયણસ્વામીનું ‘ગંગમ્મા નીરનાગા જાડે હેનિટાવલે’ નાટક પૂરું થયું ત્યારે સાંજ પડી ચૂકી હતી. કોટિગાનહલ્લી રામૈયા દ્વારા રચિત આ કન્નડ નાટક જળ અને જમીન પરના બંધારણીય અધિકારોની વાત કરે છે. અસ્પૃશ્યતાના દૂષણ તરફ લોકોનું ધ્યાન ખેંચવા માટે આખા રાજ્યમાં અવારનવાર આ નાટક ભજવવામાં આવે છે.
તેમના સંગીતના અંતિમ સૂર ધીમા પડતાં જ, તેઓએ જે શેરીના મંચ પર હમણાં જ નાટક ભજવ્યું હતું, ત્યાં બાબાસાહેબ આંબેડકરની તસવીર મૂકી. બાબાસાહેબ આંબેડકર એક વિદ્વાન, સમાજ–સુધારક અને સમાનતાના હિમાયતી હતા, જેમણે દલિતોના હકો માટે લડત ચલાવી હતી.
લોકોએ આખું નાટક ધ્યાનથી બેસીને માણ્યું હતું, પણ જેવી આંબેડકરની તસવીર સામે આવી, એટલે કર્ણાટકના એ નાનકડા ગામનો માહોલ પળવારમાં બદલાઈ ગયો.
નારાયણસ્વામી કહે છે, “જ્યારે અમે તસવીર મૂકીએ છીએ, ત્યારે લોકો અમારી જાતિ વિષે અંદાજો લગાવી લે છે. તેઓ અમને પાણી આપવાની ના પાડી દે છે. તેઓ અમને તેમના ઓટલા પર બેસવાની મનાઈ કરે છે. કેટલાંક ગામોમાં તો આયોજકો અમારો કાર્યક્રમ જ રદ કરી દે છે.”
31 વર્ષીય દુર્ગાને તેમની ઉંમર, વૈવાહિક સ્થિતિ અને બીજા ઘણા અંગત સવાલો પૂછવામાં આવે છે: “તમારાં માતા-પિતા અને પરિવાર તમને આ રીતે પ્રદર્શન કરવાની પરવાનગી આપે છે?”



























