“જુઓ! શાકભાજીના થેલા વડે ચાલતી ચમત્કારિક બાઇક જાય છે!” જ્યારે પણ ચંદ્રા તેના મેલાકાડુ ગામના ખેતરમાંથી 15 કિલોમીટર દૂર શિવગંગાઈના બજારમાં તેના મોપેડ પર માલ લઈ જાય છે, ત્યારે યુવાનો આવી બૂમો પાડે છે. આ તમિલનાડુની નાની ખેડૂત જણાવે છે, “લોકો આવું એટલા માટે કહે છે કારણ કે જ્યારે હું મારી આગળ અને પાછળ થેલાઓ મૂકીને જાઉં છું, ત્યારે તેઓ મને જોઈ શકતા નથી.”


Sivagangai, Tamil Nadu
|MON, MAY 26, 2025
મોટા દિલવાળી નાની ખેડૂત
તમિલનાડુના શિવગંગાઈ જિલ્લાની રહેવાસી ચંદ્રા સુબ્રમણ્યન એકલી માતા છે, તે ખેડૂત છે અને છૂટક વેપાર પણ કરે છે
Author
Translator
મોપેડની એકદમ બાજુમાં, તેના વરંડામાં શણના ખાટલા પર બેઠેલી ચંદ્રા સુબ્રમણ્યન વાસ્તવમાં નાની લાગે છે. તે પાતળી છે અને લગભગ 18 વર્ષની હોય તેવું દેખાય છે. હકીકતમાં તે 28 વર્ષની છે, બે બાળકોની માતા છે અને એક મહેનતુ ખેડૂત છે, જે વિધવા હોવાને કારણે ઘરડી સ્ત્રીઓ તેમના પર દયા બતાવે તે જરાય ગમતું નથી. “તે બધાં – મારા માતા પણ – ચિંતા કરે છે અને વિચાર્યા કરે છે કે મારું શું થશે. હા, જ્યારે હું 24 વર્ષની હતી ત્યારે મારા પતિ ગુજરી ગયા હતા, પણ હું આગળ વધવા માંગુ છું. હું તેમને કહ્યા કરું છું કે મને હતાશ ના કરો.”
જો કે, ચંદ્રાને મળ્યા પછી એવું ક્યાંયથી લાગતું નથી કે તે નિરાશ હોઈ શકે છે. તે દિલ ખોલીને હસે છે, ખાસ કરીને પોતાની જાત પર.તેણીની ખુશમિજાજી ગરીબીમાં પસાર કરેલા બાળપણની યાદોને હળવી કરી દે છે. “એક રાત્રે મારા પિતાએ અમને ઉઠાડ્યાં.હું 10 વર્ષની પણ નહોતી. તેમણે કહ્યું કે ચાંદ પૂનમનો અને સફેદ છે અને આપણે તેના અજવાળામાં લણણી કરી શકીએ છીએ. સવાર થવાની નજીક છે એમ વિચારીને, મારો ભાઈ, બહેન અને હું મારા માતાપિતા સાથે ગયાં.અમને બધાંને ડાંગર કાપવામાં ચાર કલાક લાગ્યા.પછી તેમણે અમને કહ્યું કે શાળા પહેલાં આપણે થોડી ઊંઘ લઈ શકીએ છીએ. તે સમયે રાતના ત્રણ વાગ્યા હતા. શું તમે વિશ્વાસ કરી શકો છો? તેઓ અમને રાત્રે 11 વાગ્યે ખેતરમાં લઈ ગયા હતા!”

Aparna Karthikeyan
ચંદ્રા તેના બાળકો સાથે ક્યારેય એવું નહીં કરે. તે એકલી માતા છે, જે તેના આઠ વર્ષના પુત્ર ધનુષ કુમાર અને પાંચ વર્ષની પુત્રી ઈનિયાને ભણાવવા માટે પૂરી રીતે સમર્પિત છે. તેઓ નજીકની એક ખાનગી અંગ્રેજી માધ્યમની શાળામાં ભણે છે. અને ચંદ્રાએ તેમના માટે જ ખેડૂત બનવાનું પસંદ કર્યું છે.
“16 વર્ષની ઉંમરે મારા લગ્ન મારા મામાના દીકરા સાથે થયા હતા. હું મારા પતિ સુબ્રમણ્યન સાથે તિરુપ્પુરમાં રહેતી હતી. તેઓ હોઝિયરી કપડાની કંપનીમાં દરજી હતા. હું પણ ત્યાં કામ કરતી હતી. ચાર વર્ષ પહેલાં, મારા પિતાનું એક રોડ અકસ્માતમાં મૃત્યુ થયું. મારા પતિ આ ઘટનાથી ખૂબ જ હચમચી ગયા. ચાલીસ દિવસ પછી તેમણે પોતે આપઘાત કરી લીધો. તેમના માટે મારા પિતા સર્વસ્વ હતા...”

Aparna Karthikeyan
ચંદ્રા તેનાં માતા સાથે રહેવા માટે તેના ગામમાં પાછી આવી. તે સિલાઈનું કામ કે ભણવાનું ફરી શરૂ કરવામાં ખચકાટ અનુભવી રહી હતી. તેમના મતે, બંને જ મુશ્કેલ હતા. નોકરીનો એટલે કલાકો સુધી બાળકોથી દૂર રહેવું. જો તેણે સારા જીવન માટે ડિગ્રીનો રસ્તો પસંદ કર્યો હોત, તો તેણે પહેલા 12મા ધોરણની બોર્ડની પરીક્ષાઓ પાસ કરવી પડતી. “જ્યાં સુધી હું ગ્રેજ્યુએટ ન થઈ જાઉં ત્યાં સુધી મારા બાળકોનું ધ્યાન કોણ રાખશે? મારાં માતા ખૂબ મદદ કરે છે, પરંતુ તેમ છતાં…”
જો કે, તે એવું કહેતી નથી, પણ ચંદ્રાને ખેતીમાં સમયની સરળતા રહે છે. તે નાઈટી પહેરીને, પોતાના ઘરની પાછળ જ આવેલા પોતાના ખેતરોમાં કામ કરવાનું પસંદ કરે છે. તેનાં 55 વર્ષીય માતા ચિન્નપોન્નૂ અરુમુગમે પોતાના પતિના મૃત્યુ પછી પરિવારની 12 એકર જમીનને પોતાના ત્રણ બાળકોમાં વહેંચી દીધી હતી. હવે માતા અને દીકરી પોતાના ખેતરોમાં શાકભાજી, ડાંગર, શેરડી અને મકાઈ ઉગાડે છે. ગયા વર્ષે ચિન્નપોન્નૂએ ચંદ્રા માટે એક નવું ઘર બનાવ્યું હતું. આ નાનું, પણ મજબૂત ઘર છે; જો કે, તેમાં શૌચાલય નથી. ચંદ્રા વચન આપે છે, “ઇનિયા મોટી થાય તે પહેલાં હું બનાવી લઈશ.”

Roy Benadict Naveen
આવા બધા મોટા ખર્ચ માટે – અને બાળકોની શાળાની ફી અને ગણવેશ માટે – ચંદ્રા તેના વાર્ષિક શેરડીના પાક પર આધાર રાખે છે. ડાંગરની દર ત્રણ મહિને થતી આવક અને શાકભાજીમાંથી દરરોજ મળતા થોડા સો રૂપિયા તેણીને ઘર ચલાવવામાં મદદરૂપ છે. આ માટે, તેણી દરરોજ લગભગ 16 કલાક કામ કરે છે. તેણી ઘરકામ કરવા, રસોઈ બનાવવા અને બાળકોનું ટિફિન પેક કરવા માટે સવારે 4 વાગ્યે ઉઠી જાય છે.
પછી તે રીંગણાં, ભીંડા અને દૂધી તોડવા ખેતરે જાય છે. ત્યારબાદ, તે ધનુષ અને ઇનિયાને તૈયાર કરે છે અને તેમને શાળાએ મૂકવા ચાલીને જાય છે. તે હસતાં હસતાં કહે છે, “તેઓ કહે છે કે માતાપિતાએ બાળકોને મૂકવા માટે સરખા કપડાં પહેરીને આવવું જોઈએ. એટલે હું મારી નાઈટી ઉપર સાડી પહેરીને જાઉં છું.” પછી તે બપોરના ભોજન સુધી ખેતરમાં કામ કરવા માટે પાછી ફરે છે. “હું માંડ અડધો કલાક આરામ કરું છું. પણ ખેતરમાં હંમેશાં કામ હોય છે. હંમેશાં!”

Roy Benadict Naveen
બજાર ભરાવાના દિવસે, ચંદ્રા મોપેડ પર થેલા મૂકી શિવગંગાઈ જાય છે. “જ્યારે હું નાની હતી ત્યારે એકલી ક્યાંય જતી ન હતી. હું ખૂબ જ ડરતી હતી. હવે દિવસમાં ચાર વખત શહેરમાં જાઉં છું.”
ચંદ્રા બિયારણ, ખાતર અને જંતુનાશક દવા ખરીદવા શિવગંગાઈ જાય છે. તેણી હેત સાથે હસીને કહે છે, “ગઈકાલે, ઇનિયાએ શાળામાં ક્રિસમસના પ્રોગ્રામ માટે નવો ડ્રેસ માંગ્યો. અને તેને હમણાં જ જોઈએ છે!” તેના રોજિંદા ખર્ચ – ખાસ કરીને ડાંગરની સીઝનમાં ખેતરમાં કામ કરનારા લોકોની મજૂરી સહિત – શાકભાજીની આવકમાંથી પૂરા થાય છે. “કેટલાક અઠવાડિયામાં, હું 4,000 રૂપિયા કમાઉં છું. જ્યારે ભાવ ઘટી જાય છે, ત્યારે તે તેના અડધા પણ નથી હોતા.” નાની ખેડૂત તેના પોતાના ઉત્પાદનોનું છૂટક વેચાણ કરીને બજારમાં કલાકો વિતાવે છે. તેનાથી જથ્થાબંધ વેપારીઓ ચૂકવે તેના કરતાં તેણીને કિલો દીઠ 20 રૂપિયા વધુ મળે છે.

Roy Benadict Naveen
તે સામાન્ય રીતે સાંજના સમયે વહેલા પાછી આવે છે, જ્યારે બાળકો શાળાએથી પાછા ફરે છે. અને ખેતરોમાં થોડો સમય રમ્યા પછી – જ્યારે તે કામ કરે છે – બાળકો તેની સાથે ઘરે જાય છે. ધનુષ અને ઇનિયા તેમનું હોમવર્ક કરે છે, થોડીવાર ટેલિવિઝન જુએ છે અને તેમના ગલુડિયાં અને ગિનિ પિગ્સ સાથે રમે છે. “મારાં માતાને લાગે છે કે ગિનિ પિગ્સ નકામા છે. તેઓ તેમને ઉંદર કહે છે, અને બકરાં ન ઉછેરવા બદલ મને ઠપકો આપે છે,” ચંદ્રા પાંજરામાંથી એક જાડું ગિનિ પિગ ઉપાડીને તેને પંપાળતા હસે છે. “પરંતુ ગયા અઠવાડિયે, જ્યારે મેં બજારમાં તેમના માટે ગાજર ખરીદ્યા, ત્યારે કોઈએ મને પૂછ્યું કે શું તે વેચવા માટે છે.” તેણી વિચારે છે કે તેણી રુંવાટીવાળા ઉંદરોને નફા માટે વેચી શકે છે.
તે ચોક્કસપણે ચંદ્રા જ હશે: ખરાબ વસ્તુમાંથી પણ સારું બનાવવાવાળી, એક જ સમયે ચતૂર અને સમજદાર સ્ત્રી. નારિયેળના ઝાડની હરોળ પસાર કરતી વખતે, તે મને દુઃખ સાથે કહે છે કે તેણીએ તેના પર ચઢવાનું બંધ કરી દીધું છે. “હું કેવી રીતે ચઢી શકું? હું હવે આઠ વર્ષના છોકરાની મા છું.” તરત જ, તે બીજા રાજ્યોમાંથી આવેલા સ્થળાંતરિત લોકો, ચેન્નાઈમાં આવેલા પૂર અને ખેડૂતોને કેવી રીતે અવગણવામાં આવે છે તેના વિશે ટિપ્પણી કરે છે. “જ્યારે હું કોઈ ઓફિસ કે બેંકમાં જાઉં છું અને મારો પરિચય આપું છું, ત્યારે તેઓ મને એક ખૂણામાં રાહ જોવા માટે કહેવામાં આવે છે.” ચંદ્રા પૂછે છે, તમારો ખોરાક ઉગાડનારા લોકો માટે ખુરશીઓ ક્યાં છે?
જુઓ ફોટો આલ્બમ: મોટા દિલવાળી નાની ખેડૂત
અનુવાદક: કનીઝફાતેમા
Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]
Donate to PARI
All donors will be entitled to tax exemptions under Section-80G of the Income Tax Act. Please double check your email address before submitting.
PARI - People's Archive of Rural India
ruralindiaonline.org
https://ruralindiaonline.org/articles/small-farmer-big-heart-miracle-bike-guj

