જનાબાઈ સોનાવણેને ક્યારેય પોતાની ખાસ સહેલીઓ સાથે ઝઘડો કે તકરાર થઈ ન હતી.
પણ આ વર્ષે બધું બદલાઈ ગયું. મહારાષ્ટ્રના ભાદોલે ગામમાં પોતાના બે ઓરડીના સાધારણ મકાનની બહાર બેઠેલાં 62 વર્ષીય જનાબાઈ કહે છે, “હું નાની-નાની વાતોમાં પણ જલદી અકળાઈ જતી હતી અને નજીવા મતભેદોને કારણે પણ મારી સહેલીઓ સાથે ઝઘડવા લાગતી હતી.”
2025ના ઉનાળામાં રાજ્યના કોલ્હાપુર જિલ્લામાં રાતના તાપમાનમાં નોંધપાત્ર રીતે વધારો નોંધાયો હતો. અને જનાબાઈને ઊંઘવામાં મુશ્કેલી પડવા લાગી. શરૂઆતમાં, તેમને લાગ્યું કે આ બેચેની એક-બે દિવસમાં જતી રહેશે. પરંતુ, એમાંને એમાં ઘણા દિવસો એવા પસાર થવા માંડ્યા જેમાં તેમને માંડ ત્રણ કલાકની તૂટક-તૂટક ઊંઘ નસીબ થતી. દિવસો અઠવાડિયામાં અને અઠવાડિયાં મહિનાઓમાં ફેરવાઈ ગયાં. તેઓ સતત ચીડિયાપણું અને થાક અનુભવવા લાગ્યાં.
જનાબાઈ એક ભૂમિહીન ખેડૂત છે, જેઓ દિવસના આઠ કલાક બીજાંનાં ખેતરોમાં કમરતોડ મજૂરી કરે છે. તેઓ નિંદામણ કરે છે, ઘાસચારાના ભારે ભારીયા ઉપાડે છે અને પાકની લણણી કરે છે. સાંજ પડતાં સુધીમાં તો તેઓ થાકીને લોથપોથ થઈ જાય છે – તેમના ખભા દુખતા હોય, અને આખા દિવસના ભારથી પગ ભારે થઈ ગયા હોય છે. આવા થકવી દેનારા દિવસ પછી, તેઓ સામાન્ય રીતે રાત્રે 10 વાગ્યા સુધીમાં પોતાના ઘરના ઉંબરા પાસે આડાં પડતાં અને મિનિટોમાં જ ઘસઘસાટ ઊંઘી જતાં.
પણ એ ગાઢ અને શાંતિભરી ઊંઘની રાતો હવે તો બસ એક સપનું બનીને રહી ગઈ છે. છેલ્લા કેટલાક મહિનાઓથી આ વિસ્તારમાં આસમાને પહોંચેલી ગરમી અને ભેજને કારણે તેઓ આખી રાત પરસેવે રેબઝેબ રહે છે. તેઓ બેચેનીમાં પડખાં ફેરવતાં રહે છે, અને પતરાંના છાપરાવાળા ઘરમાંથી આવતી ગરમીની લપટોને કારણે વારંવાર જાગી જાય છે.
એક વાર આંખ ખૂલી જાય, પછી ફરીથી ઊંઘ આવતાં ઓછામાં ઓછો એક કલાક લાગી જાય છે.












