ઉત્તર ગોવાના કલંગુટ ગામના એક વૃદ્ધ માછીમાર, માર્સેલીન ફર્નાન્ડિસે મને જણાવ્યું હતું, “1970 અને 80ના દાયકામાં, અમારી માછીમારી ઘણી વધારે હતી. અમે મેકરેલ માછલી નારિયેળના બગીચાઓ માટે ખાતર તરીકે પણ વેચતા હતા.” (ડૉક્યુમેન્ટરી માટે ઇન્ટરવ્યુ આપ્યા પછી, તેમનું અવસાન થયું.)
છેલ્લા કેટલાક દાયકાઓમાં, ગોવા એક અત્યંત લોકપ્રિય પર્યટન સ્થળ બન્યું છે, અને આખું વર્ષ પ્રવાસીઓની અવરજવર રહે છે, તેથી માછલીઓની માંગ બારેમાસ રહે છે – પરિણામે, માછલીઓની વિપુલતા હવે પહેલા જેટલી રહી નથી. ગોવાના કિનારે મોટા માછીમારી ટ્રોલર્સના કારણે પણ માછીમારીમાં ઘટાડો થયો છે.
પરિણામે, રાજ્યના લગભગ 104 કિલોમીટરના દરિયાકાંઠે વસતા સમુદાયોને પોતાના પરંપરાગત માછીમારીના વ્યવસાય ઉપરાંત, દુકાનો ખોલવી, પાણીની રમતો અને અન્ય પ્રવાસ સંબંધિત પ્રવૃત્તિઓ શરૂ કરીને તેમની આજીવિકા માટે આવી બીજાં પૂરક કામ કરવા પડે છે. સમયાંતરે, ઘણા યુવાનો પશ્ચિમ એશિયાના દેશોમાં કામ કરવા ગયા, જ્યારે ઘણા લોકોએ બીચની બાજુમાં નાની રેસ્ટોરન્ટ ખોલી અથવા પ્રવાસ ઉદ્યોગમાં અન્ય નોકરીઓ કરી રહ્યા છે.
જો કે, કેટલાક માછીમારો હજી પણ મક્ક્મ છે અને માછીમારીની પારિવારિક પરંપરા ચાલુ રાખી છે. રોની ફર્નાન્ડિસ કહે છે, “મારા પૂર્વજો માછીમારો હતા અને હું તે પરંપરાને જીવંત રાખવા માંગુ છું.”
આ ડૉક્યુમેન્ટરી, ‘શિફ્ટીંગ સેન્ડ્સ‘ ઉત્તર ગોવાના પ્રવાસ ક્ષેત્રના કેન્દ્રમાં આવેલા કલંગુટ ગામના માછીમારો અને માછીમારી કામ કરતી સ્ત્રીઓની પરિસ્થિતિ દર્શાવે છે. આ ડૉક્યુમેન્ટરી, તેઓ પોતાની જાતને, તેમના વ્યવસાયને અને તેમની આસપાસના પરિવર્તનોને કેવી રીતે સમજે છે તેને રજૂ કરે છે.
સમય ને સંજોગો બદલાતા રહે છે, દરિયામાં ભરતી ઓટ આવતી જતી રહે છે પરંતુ કેટલાક બંધનો આ બધાં પરિવર્તનોની વચમાં પણ અડગ રહે છે.


