નંદુ પાલ પલામુના ચૈનપુર બ્લોકમાં આવેલા કંકારી ગામના અમુક બાકી રહેલા ભરવાડોમાંના એક છે. રાજ્યમાં છ લાખથી વધુ ઘેટાં (2019ના આંકડા) છે, અને તે 88 લાખથી વધુ પ્રાણીઓ સાથે દેશમાં બકરીનો ઉછેર કરતાં રાજ્યોમાં સ્થાન પામે છે, અને 1.1 કરોડ ઢોર તો અલગ. આ બધાં પ્રાણીઓ સામાન્ય ગોચરોમાં જ ચરે છે.
પાલના 62 વર્ષીય પિતરાઈ ભાઈ રામરતિ ઉમેરે છે, “અમુક દિવસોમાં, અમારે ગોચરની શોધમાં 12–13 કોસ [લગભગ 40 કિલોમીટર] ચાલવું પડે છે. પહેલાં, દોહરની આસપાસ મગર ઘાસ અને ડૂંડા જેવું પુષ્કળ ઘાસ ઊગતું હતું. પણ હવે, એ પણ નથી મળતું.” મગર ઘાસ એક જાડું, બરછટ ઘાસ છે જે આ પ્રદેશમાં દોહર (કુદરતી જળાશયો)ની આસપાસ વિપુલ પ્રમાણમાં ઊગે છે. તેનો ઉપયોગ ઘણી વાર પશુઓ માટે ચારા તરીકે થાય છે અને તે માત્ર ભીની જમીનમાં જ ખીલે છે. જળાશયો સુકાઈ જતાં આ ઘાસ પણ અદૃશ્ય થઈ ગયું છે.
ખેતીની જમીન પણ પ્રાણીઓને પૂરતો ચારો આપી રહી નથી. જ્યાં પહેલાં ચણા અને ચકવડ (સેન્ના ઓબટુસિફોલિઆ) જેવા પાક ઊગતા હતા અને તેમનાં બીજ ખેતરમાં રહી જતાં હતાં, ત્યાં હવે તે ભાગ્યે જ જોવા મળે છે કારણ કે બહુ ઓછા ખેડૂતો તેને ઉગાડે છે. તેના બદલે, હવે ઘણા લોકો મકાઈ, ડાંગર અને ઘઉંની ખેતી કરે છે; એવા પાક જે ચરવા માટે કોઈ અવશેષ છોડતા નથી. નંદુ કહે છે, “ઘેટાંને પહેલાં જેવું પોષણ નથી મળી રહ્યું. હવે ફક્ત થોડાં ઘાસનાં મેદાનો અને થોડોઘણો ધરો [દુર્બ ઘાસ - સાઇનોડોન ડેક્ટાઇલોન] જ જોવા મળે છે.”
આ વિસ્તારમાં બે વર્ષ (2022 અને 2023)ના દુષ્કાળે જળાશયો સૂકવી નાખ્યાં છે, અથવા તો તે હવે ખૂબ પ્રદૂષિત થઈ ગયાં છે. “ઘેટાંને જીવતાં રહેવા માટે સ્વચ્છ પાણીની જરૂર હોય છે,” નંદુ ઉમેરે છે, જેમણે છેલ્લા દાયકામાં ઘણાં જળાશયોને અદૃશ્ય થતાં જોયાં છે.
ગયા વર્ષના દુષ્કાળ દરમિયાન, “અમે ભાંગી પડવાની અણી પર હતા. આખો દિવસ ચર્યા પછી પણ ઘેટાં ભૂખ્યાં જ રહેતાં,” નંદુ ઊંચા અવાજે કહે છે. થોડો વિરામ લઈને નંદુ કહે છે, “મેં ગયા વર્ષે [2023માં] 20 ઘેટાં ગુમાવ્યાં હતાં.”
નંદુ અને તેમના સાથીઓના કહેવા પ્રમાણે સ્વચ્છ પાણી ન મેળવી શકતાં પ્રાણીઓને ન્યુમોકોકલ રોગોનો ખતરો રહે છે, જે માટે તાજેતરમાં તેમણે ઘેટાંને રસી અપાવી છે.