રોગન કળાના આ અનોખા વારસાના એકમાત્ર જાળવણીકારોને શોધવા માટે, તમારે ગુજરાતના કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના અંતરિયાળ ગામ નિરોણા સુધીની મુસાફરી કરવી પડશે.
અહીં 55 વર્ષીય અબ્દુલ ગફુર ખત્રી અને તેમના ભાઈ 36 વર્ષીય સુમેર ખત્રી, ત્રણ સદીઓથી ખત્રી પરિવાર દ્વારા જતન કરવામાં આવેલી પરંપરાને આગળ ધપાવી રહ્યા છે. ગફુરભાઈને તેમની કળા માટે 1997માં અને સુમેરભાઈને 2003માં રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
રોગન કળા પર પર્શિયન સંસ્કૃતિનો ઘણો ઊંડો પ્રભાવ જોવા મળે છે, અને પર્શિયન શબ્દ ‘રોગન’નો અર્થ થાય છે ‘તેલ આધારિત’. સિંધ પ્રદેશમાંથી ખત્રી સમુદાયના સ્થળાંતર સાથે રોગન કળા કચ્છમાં આવી હતી.
સુમેરભાઈ કહે છે, “છેલ્લાં 300 વર્ષથી આ કળા માત્ર અમારા પરિવાર પૂરતી જ સીમિત રહી છે, અને હવે અમારી આઠમી પેઢી તેમાં જોડાઈ છે.” હાલમાં પરિવારના નવ સભ્યો રોગન આર્ટ બનાવે છે અને તેઓ બધાએ વિવિધ પુરસ્કારો જીત્યા છે. આ પરિવાર અને બે મુખ્ય કલાકારોને મળ્યા પછી તમને સમજાશે કે આ કળા આ કુળ માટે કેટલી મહત્ત્વપૂર્ણ છે; દરેક સભ્ય રોગન કળાને જીવંત રાખવા માટે પૂરા દિલથી સમર્પિત છે.









