ગુજ્જર પશુપાલક અબ્દુલ રશીદ શેખ રેશનના વિતરણથી લઈને રાજ્યના ભંડોળનો ઉપયોગ કેવી રીતે થાય છે તેની પારદર્શિતાના અભાવ સુધીના મુદ્દાઓ પર આરટીઆઈ (માહિતીના અધિકાર હેઠળ) અરજીઓ દાખલ કરી રહ્યા છે. 50 થી વધુ ઘેટાં અને લગભગ 20 બકરીઓના ટોળા સાથે દર વર્ષે કાશ્મીરમાં હિમાલય પાર કરીને બીજી તરફ જતા આ 50 વર્ષના પશુપાલકે છેલ્લા દાયકામાં બે ડઝનથી વધુ આરટીઆઈ અરજીઓ કરી છે.
દૂધપથરીમાં પોતાના કોઠા (માટી, પથ્થર અને લાકડાથી બનેલ પરંપરાગત ઘર) ની બહાર ઊભેલા અબ્દુલ જણાવે છે, "અગાઉ [સરકારી અધિકારીઓ] જે યોજનાઓ રજૂ કરવામાં આવતી હતી તેનાથી અજાણ હતા, અને અમે અમારા અધિકારોથી." તેઓ અને તેમનો પરિવાર દર ઉનાળામાં અહીં સ્થળાંતર કરે છે. તેઓ બડગામ જિલ્લાના ખાનસાહિબ બ્લોકમાં તેમના ગામ મુજપથરીથી અહીં આવે છે.
અબ્દુલ ઉમેરે છે, “લોકોને કાયદાઓ અને અમારા અધિકારો વિશે જાગૃત કરવામાં આરટીઆઈ દાખલ કરવાની ભૂમિકા મોટી હતી; અધિકારીઓ સાથે કેવી રીતે વ્યવહાર કરવો એ પણ અમે શીખ્યા." શરૂઆતમાં અધિકારીઓ પોતે આરટીઆઈ કાયદાથી વાકેફ ન હતા અને, "જ્યારે તેમને સંબંધિત યોજનાઓ અને ભંડોળના વિતરણ વિશે માહિતી આપવાનું કહેવામાં આવે ત્યારે તેઓ ચોંકી જતા."
પ્રક્રિયાને પડકારવાને કારણે ગામમાં લોકોની હેરાનગતિ કરવામાં આવતી - બ્લોક અધિકારીઓની મિલીભગતથી પોલીસ દ્વારા ખોટી એફઆઈઆર (પ્રથમ માહિતી અહેવાલ) દાખલ કરવામાં આવતી. અહીં આરટીઆઈ ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવતા અબ્દુલ જેવા જાણકાર નાગરિકોને નિશાન બનાવવામાં આવતા.
તેઓ પોતાનો મુદ્દો અમારે ગળે ઊતારવા કહે છે, "હકીકતમાં એ અધિકારીઓ જ ભ્રષ્ટ હતા. આજે તેમની મિલકતો તો જુઓ." આરટીઆઈ દાખલ કરવા ઉપરાંત અબ્દુલે ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહકને લગતી બાબતો સંબંધિત વિભાગ (ડિપાર્ટમેન્ટ ઓફ ફૂડ, સિવિલ સપ્લાયસ એન્ડ કન્ઝ્યુમર અફેર - ડિપાર્ટમેન્ટ ઓફ એફસીએસસીએ) તરફથી મુજપથરીમાં લગભગ 50 લોકો માટે રેશનકાર્ડ જારી કરવાની માંગ પણ ઉઠાવી હતી.











