કિશન યાદવ પેડલવાળી સાઇકલના 1200 રૂપિયા ચૂકવે છે. આ લેવડદેવડ પછી, તેઓ તેની સીટ અને હેન્ડલની વચ્ચે લાગેલા લોખંડના સળિયાને મજબૂત કરવા માટે બીજા 200 રૂપિયા ખર્ચે છે. પછી એ ચેનને કાઢી નાખે છે અથવા તો એને ઢીલી કરીને લટકતી કરી દે છે, અને સાઇકલની સીટને આગળની તરફ નમાવીને આકાશ તરફ ઊંચી કરી દે છે.
હવે યાદવની સાઇકલ ઉપયોગ કરવા માટે તૈયાર છે. પરંતુ સવારી કરવા માટે નહીં – જે ચેન વગર ચલાવી શકાતી નથી – બલ્કે એક ટ્રોલી તરીકે 250 કિલોગ્રામ કોલસો લાદીને 40થી 60 કિલોમીટર સુધીનું અંતર કાપવા માટે. આટલું સખત અને ખતરનાક કામ કર્યા પછી, તેઓ એક દિવસમાં ફક્ત 10 રૂપિયા સુધી જ કમાઈ શકે છે, જે માંડ બિહારમાં લઘુત્તમ દૈનિક વેતનનો માત્ર ત્રીજો ભાગ છે.
યાદવ પોતાની સાઇકલ પર લદાયેલા આ કોલસા સાથે લાલમટિયાથી ગોડ્ડા જશે અને પછી ત્યાંથી પાછા આવશે. આ રીતે તેમને પગપાળા ચાલવામાં, રસ્તામાં આરામ કરવામાં અને તેને વેચવામાં કુલ ત્રણ દિવસ લાગી જશે. વ્યક્તિગત રોજગારનું આ એક મુશ્કેલતમ સ્વરૂપ છે જેના વિષે વિચારવું પણ મુશ્કેલ છે, પરંતુ ગોડ્ડાના લગભગ 3,000 પરિવારોનું જીવન આના સહારે ચાલી રહ્યું છે.
‘કોલસાવાળા’ કે ‘સાઇકલવાળા’ તરીકે ઓળખાતા, આ લોકોમાંથી કોઈ પોતાની સાઇકલમાંથી એક પેડલ કે ચેન કાઢતા નથી. જોકે, તેઓ હેન્ડલ અને સીટની વચ્ચે લાગેલા સળિયાને વધુ મજબૂત કરી લે છે અને સીટને ઉપરની તરફ વાળી દે છે. યાદવ, થોડા તિરસ્કાર સાથે કહે છે, “તેઓ જાણે છે કે જમણી બાજુનું પેડલ તૂટી જશે, અને જો ચેનને ઢીલી કરવામાં ન આવે તો તેનાથી અડચણ ઊભી થશે.’’
ગોડ્ડા પહોંચીને યાદવ જ્યારે પોતાનો કોલસો વેચી દે છે, ત્યારે ત્યાંથી પાછા આવવા માટે તેઓ પોતાની સાઇકલના પેડલ અને ચેનને ફરીથી સરખા કરે છે, કારણ કે લાલમટિયાથી જ તેમને પોતાનો સામાન (કોલસો) ખરીદવાનો હોય છે. પરંતુ તેઓ આટલી મુશ્કેલ મુસાફરી એક અઠવાડિયામાં બે વારથી વધુ કરી શકતા નથી. અમુક સમયે, આ કોલસાવાળા પોતાની સાઇકલો પર આટલા ભારે બોજને ધક્કો મારતા 60 કિલોમીટર દૂર, બાંકા જિલ્લામાં આવેલા બૌંસી સુધી પગપાળા ચાલે છે અથવા તો 80 કિલોમીટર દૂર, બાંકાના રજૌન સુધી જાય છે. કોલસાવાળા સામાન્ય રીતે 200 થી 250 કિલોનો ભાર ઉઠાવીને લઈ જાય છે, પરંતુ કેટલાક લોકોનું કહેવું છે કે ક્યારેક તેઓ તેનાથી પણ વધુ વજનદાર ભાર ખેંચે છે. ત્યાં કેટલાક કિશોર વયના છોકરાઓ પણ કોલસાનો હલકો ભાર ખેંચે છે.
સરકારી અધિકારીઓની નજરમાં તેમનો આ વેપાર એક ‘ગેરકાયદેસર’ પ્રવૃત્તિ છે. પરંતુ શા માટે? કારણ કે તેઓ રાજમહલ કોલ માઇનિંગ પ્રોજેક્ટ, લાલમટિયાના કચરાના ઢગલાઓમાંથી કોલસો વીણનારા ભંગારિયાઓ પાસેથી કોલસો ખરીદે છે. આ પ્રોજેક્ટથી બનેલા માટીના કચરાના મોટા ઢગલાઓમાં લગભગ ત્રણ ટકા નબળી ગુણવત્તાનો કોલસો હોય છે.
જો કે, રાજમહલ પ્રોજેક્ટના એક ઉચ્ચ અધિકારી એ વાત સ્વીકારે છે કે, “જો આ ભંગાર ભેગો કરનારા ન હોત, તો એ કોલસો કચરાના ઢગલામાં એમ જ પડ્યો રહેત. અને, જો સાઇકલવાળાઓ ન હોત, તો ગોડ્ડાના મોટા ભાગના ગરીબ લોકો સુધી એ સસ્તામાં સસ્તો ઊર્જાનો સ્ત્રોત ક્યારેય પહોંચી શક્યો ન હોત. આ તો એક પ્રકારે રાષ્ટ્રીય બચત છે.”
સમસ્યાઓ ગૂંચવાઈ જાય છે કારણ કે ત્યાં કોલસાના ખાણકામ સંબંધિત ઘણા પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય છે. જો કે, કોલસો કાઢવા અને વેચવા દરમિયાન ત્રણ ગેરકાયદેસર સ્વરૂપો ઉભરીને સામે આવે છે:
રાજમહલ પ્રોજેક્ટના ડેપોમાંથી થતી ચોરી અને કોલસાની હેરફેર દરમિયાન રસ્તામાં થતી ચોરી. પરંતુ આજ સુધી કોઈએ પણ સાઇકલવાળાઓ પર તેનો આરોપ લગાવ્યો નથી.
ભ્રષ્ટ અધિકારીઓની મદદથી, શક્તિશાળી કોલસા માફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખાણકામ. દેખીતી રીતે, આ પ્રકારનું કાર્ય યાદવ કે પ્રહલાદ પ્રસાદ સાહ જેવા સાઇકલવાળાઓ દ્વારા કરી શકાતું નથી, જેઓ દૈનિક 12 રૂપિયાથી પણ ઓછું કમાય છે.
કચરાના ઢગલામાંથી અત્યંત ગરીબ લોકો દ્વારા કોલસો વીણવો. સાઇકલવાળા મૂળભૂત રીતે આ જ લોકો પાસેથી (અથવા કચરાના ઢગલાને નિયંત્રિત કરનારા દાદાઓ દ્વારા) કોલસો મેળવે છે. આ એ જ લોકો છે (મોટાભાગે સ્ત્રીઓ), જેઓ સરકારી અધિકારીના કથન મુજબ, “રાષ્ટ્રીય બચત’’નું કાર્ય કરી રહ્યાં છે.
રાજમહલના એક વરિષ્ઠ અધિકારી કબૂલ કરે છે તેમ: “આશરે 1,000 સાઇકલવાળા દરરોજ કામ કરે છે. તેમનામાંથી કોઈ પણ અઠવાડિયામાં બે વારથી વધુ ફેરા નથી કરતું. જો આપણે આખા વર્ષમાં કોલસાવાળાઓ દ્વારા ‘ગેરકાયદેસર’ રીતે વેચાયેલા તમામ કોલસાની ગણતરી કરીએ, તો તે લાલમટિયાના બે દિવસના ઉત્પાદન જેટલો પણ નહીં થાય.”
લાલમટિયાની બહારથી શરૂ કરીને, મેં 40 કિલોમીટર દૂર ગોડ્ડા જવાના રસ્તા પર સાઇકલવાળાઓનો પીછો કર્યો. જો કે અંતર બહુ વધારે નહોતું, પણ તેમને રાત રોકાવાની જરૂર હતી. સારા સમયમાં પણ શારીરિક રીતે કંટાળાજનક લાગતી મુસાફરી, તે ભયંકર રીતે ભેજવાળા સપ્ટેમ્બરના હવામાનમાં નર્ક જેવી લાગતી હતી. તેઓ ખરાબ રસ્તાઓ પર ધીમે ધીમે આગળ વધ્યા જ્યાં તેમને ઘણીવાર તેમની કમરતોડ ભારને અણનમ ચઢાણ પર ધક્કો મારવો પડતો હતો.
કોલસાવાળા 20 જેટલી હરોળમાં ચાલે છે. “સાથી પ્રવાસીઓ”ની જરૂર એટલા માટે પડે છે, કારણ કે જો કોઈ વચમાં અટકી જાય તો બીજાઓની મદદ વગર તે પોતાની મુસાફરી ફરી શરૂ કરી શકતો નથી. આ ઉપરાંત, પાણીવાળા લાંબા રસ્તાઓ પાર કરતી વખતે અથવા તીવ્ર ઢાળ પર ચઢતી વખતે, તેમનામાંથી દરેકને મદદની જરૂર પડે છે. મેં યાદવને તેના મિત્રોની મદદથી આવો જ એક રસ્તો પાર કરતાં જોયો. ત્યારપછી, તેમણે પોતાની બોરીઓની નીચે એક મજબૂત લાકડી ટેકવીને તેની સાઇકલને “ઊભી” કરી અને બીજા માણસની મદદ કરવા માટે પાછા ગયા.



