પી. સેનરાયપેરુમલને રાજા-રાણી આટ્ટમ નામના જ્ઞાતિ-આધારિત નાટકમાં પોતાની ભૂમિકા ભજવવા માટે શાળા છોડી દેવાની ફરજ પડી હતી. તેઓ અને તેમના ભાઈઓએ બાળપણ સ્ત્રી પાત્રો ભજવવામાં વિતાવ્યું છે — જેમાં અપમાનજનક શબ્દો, જાતીય સતામણી અને ચૂપચાપ પરંપરાનો બોજ સહન કરવો પડતો.
23 વર્ષની ઉંમરે, પેટનો ખાડો પૂરવા માટે રાતભર નાચીને પણ તેઓએ પોતાના દમ પર શિક્ષણ પાછું મેળવવાનો એક દાવ ખેલ્યો. માળખાગત રીતે જે શિક્ષણનો અધિકાર તેમની પાસેથી છીનવી લેવામાં આવ્યો હતો, તે જ શિક્ષણ તેઓ સંઘર્ષ કરીને મેળવીને રહ્યા. જે લોકપરંપરાને તેઓ જીવતા આવ્યા હતા, તે જ વિષયમાં તેમણે પી.એચ.ડી.ની પદવી મેળવી. તેઓ મહેનત કરતા રહ્યા અને આશા સેવતા રહ્યા કે ઉચ્ચ શિક્ષણથી તેમનું ભવિષ્ય ઉજ્જવળ થશે. એક એવી આશા, જે તેમના કિસ્સામાં, દુઃખદ રીતે, બહુ ઓછો સમય ટકી.


