લતતી મુર્મુ કહે છે, “અબરી જો આયેગા ન વોટ લેને, તા કહેંગે કી પહલે પેન્સન દો [જ્યારે તેઓ મત માગવા આવશે, ત્યારે અમે તેમને ચોખ્ખું કહીશું, 'પહેલા અમને પેન્શન આપો']."
તેઓ ઝારખંડના દુમકા જિલ્લાના કુસુમડીહ ગામમાં આવેલ બુરુટોલા નેસમાં પોતાના માટીના ઘરની બહાર દત્તી (ઓટલા) પર બેસીને પારી સાથે વાત કરી રહ્યા છે.
તેમની બાજુમાં બેઠેલા તેમના પાડોશી અને સખી શર્મિલા હેમબ્રમ ઉમેરે છે, "આ વખતે અમે ઘર અને પેન્શન માગીશું."
તેઓ રાજકીય નેતાઓનો ઉલ્લેખ કરતા મજાકમાં ઉમેરે છે, "આ જ સમય છે જ્યારે એ લોકોના મોઢા જોવા મળશે." મતદાનના સમય પહેલા જ્યારે તેઓ મોઢું બતાવે છે ત્યારે સામાન્ય રીતે તેઓ ગામલોકોને પૈસા આપે છે. શર્મિલા કહે છે, "તેઓ [રાજકીય પક્ષો] અમને 1000 રુપિયા આપે છે, 500 પુરુષોને મળે અને 500 અમને."
બંને મહિલાઓ માટે પૈસા મહત્વના છે કારણ કે સરકારી યોજનાઓ અને લાભોથી બંને મોટાભાગે વંચિત રહ્યા છે. 2022માં લતતીના પતિનું અચાનક અવસાન થયું હતું અને 2023માં એક મહિનાની બીમારી બાદ શર્મિલાના પતિનું અવસાન થયું હતું. આ દુઃખી મહિલાઓ કહે છે કે જ્યારે તેઓ કામ માટે નીકળે છે ત્યારે તેમને એકબીજાનો સાથ હોય છે એ વાતની બંનેને રાહત છે.
જ્યારે તેઓએ તેમના પતિ ગુમાવ્યા ત્યારે લતતી અને શર્મિલાએ વિધવા પેન્શન યોજનાનો લાભ મેળવવાનો પ્રયાસ કર્યો હતો - સર્વજન પેન્શન યોજના હેઠળ 18 વર્ષથી વધુ ઉંમરની વિધવા રુ. 1000 નું માસિક પેન્શન મેળવવા માટે હકદાર છે. નિરાશ થયેલા લતતી કહે છે, "અમે ઘણા બધા ફોર્મ ભર્યા અને મુખિયા [ગામના વડા] પાસે પણ ગયા, પણ કંઈ કરતા કંઈ ન મળ્યું."












