તેમને બધા લોકો પ્રેમથી ફિલ્મના સુપરસ્ટારના નામથી કેમ બોલાવે છે તે વિષે તુલસીભાઈ કહે છે, “મારું નામ તુલસીભાઈ નારણભાઈ છે, પરંતુ જો તમારે મને શોધવો હોય, તો તમારે કહેવું પડશે ‘બચ્ચનને બોલાવો’. બધા લોકો મને એ નામથી જ ઓળખે છે.”
60 વર્ષીય તુલસીભાઈ તેમના પુત્ર તનુભાઈ સાથે ગુલબાઈ ટેકરા નજીકના ફૂટપાથ પર રહે છે, જે અમદાવાદમાં આવેલી એક ખુલ્લી વસાહત છે. તનુભાઈના જન્મ પછી તરત જ તુલસીભાઈનાં પત્નીનું અવસાન થયું હતું. તનુભાઈ, જે હવે ત્રીસ વર્ષના છે, તે અમને કહે છે, “મારાં દાદીએ મને ઉછેર્યો છે. તેઓ હજી પણ જીવિત છે અને સો વર્ષથી વધુ વયે પહોંચ્યાં છે.”
બાપ-બેટાની આ જોડી સવારે નવ વાગ્યાથી લઈને રાત્રે નવ વાગ્યા સુધી કચરો વીણે છે અને પછી તેને શહેરના મેમનગર વિસ્તારમાં ભંગારવાળાને વેચી દે છે. શહેરના મેમનગર વિસ્તારમાં કચરો વીણનારાઓ કિલોના હિસાબે વેચે છે.
જ્યારે આ પત્રકાર તેમને મળ્યા, ત્યારે તેઓએ બપોરના બે વાગ્યાથી કામ કરીને લગભગ ચાર કિલો પ્લાસ્ટિકની બોટલો અને એક કિલો કાર્ડબોર્ડ ભેગું કર્યું હતું. તેનાથી તેમને ભંગારવાળાઓ પાસેથી 110 રૂપિયા મળ્યા હતા તુલસીભાઈ કહે છે, “આ વખતે ઉનાળો ખૂબ કપરો હતો. અમે બીમાર પડી જતા હતા. દિવસની ગરમીમાં રાહત મેળવવા માટે અમે જે કાર્ડબોર્ડ એકઠાં કર્યાં હતાં તેનો પંખા તરીકે ઉપયોગ કરતા હતા.”






