‘નામઘર’ (પ્રાર્થનાઘર)નું ભોંયતળિયું માટીના દીવાઓથી શણગારાયેલું છે, જેનો મંદ પ્રકાશ માટીની ભોંય પર પથરાઈને ધીમે ધીમે આવી રહેલા પ્રેક્ષકોને માર્ગ બતાવી રહ્યો છે. ગાયન (ગાયક) અને બાયન (ઢોલકવાદક) હારબંધ ગોઠવાઈ ગયા છે: ઢોલકવાદકે આસામના પરંપરાગત વાજિંત્ર ‘ખોલ’ને પોતાની છાતીસરસું રાખ્યું છે; અને જેવું સંગીતકારોએ સંગીત છેડ્યું કે દીવાઓના હુંફાળા પ્રકાશમાં પિત્તળના મોટા ઝાંઝ (બોર તાલ) ચમકી ઊઠ્યા.
આજ સાંજ માટેના સૂત્રધાર બોલવાનું શરૂ કરે છે. આખા ઓરડામાં સોપો પડી જાય છે. બિપુલ દાસ પ્રકાશમાં પ્રવેશે છે.
અને આખી રાત ચાલનારા ભાઓના — આસામના પરંપરાગત વૈષ્ણવ ધાર્મિક નાટ્યપ્રકાર —ની એક જીવંત છતાં ગંભીર શરૂઆત થાય છે. આ નાટકો મોટે ભાગે રામાયણ અને મહાભારત જેવાં મહાકાવ્યો પર આધારિત હોય છે, અને તેમાં કોઈ એક પ્રસંગનું નાટ્યાત્મક રૂપાંતરણ કરવામાં આવે છે.
બિપુલનું સૌથી પ્રિય પાત્ર મહાભારતમાં પાંડવોની માતા કુંતીનું છે. તેઓ હસીને કહે છે, “ગામમાં લોકો મને કુંતી કહીને જ બોલાવે છે.” એકલ માતા દ્વારા ઉછેર પામેલા બિપુલ કહે છે કે તેઓ માતૃત્વ સાથે એક સહજ લગાવ અનુભવે છે. “હું માનું છું કે મારી અંદર એક માતા છુપાયેલી છે, જે મને કુંતીના પાત્ર સાથે જોડે છે.” અને પછી તેઓ પોતાની પ્રિય પંક્તિઓ ગાવાનું શરૂ કરે છે:
















