યવતમાળના રહેવાસી ચંદા ઘોદામ કહે છે, “અમે અમારો આદિવાસી ખોરાક ભૂલી ગયા હતા."
ગ્રામીણ ભારતમાં 75 ટકાથી વધુ મહિલાઓ કૃષિ ક્ષેત્રમાં કામ કરે છે. પરંતુ ખૂબ ઓછી મહિલાઓ પાસે પોતીકી જમીન કે પોતીકું પશુધન છે, ખૂબ ઓછી મહિલાઓ કુદરતી સંસાધનો પર પોતાનો અધિકાર જતાવી શકે છે. મહિલાઓ ખાદ્ય ઉત્પાદન અને જૈવવિવિધતાના રક્ષણમાં કેન્દ્રસ્થાને છે, છતાં સામાજિક માળખાં તેમની ખેડૂત તરીકેની સ્વતંત્ર ઓળખને માન્યતા આપતા નથી.
મહારાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત અને ખેડૂતોની આત્મહત્યાથી પ્રભાવિત મરાઠવાડા અને વિદર્ભ પ્રદેશોમાં ચંદા અને તેમના જેવા બીજા મહિલા ખેડૂતો, તમામ અવરોધો છતાં, કૃષિ ક્ષેત્રે એક મૂક ક્રાંતિનું નેતૃત્વ કરી રહ્યા છે અને ફરી એક વાર તેમનો પરંપરાગત ખોરાક અપનાવી રહ્યા છે.
ચંદા હસીને કહે છે, "હું બીજી મહિલાઓને કહું છું કે આપણી જમીનમાં બધું જ ઉગી શકે છે."


