"ગોરાલ!" અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગ જિલ્લાના સિંગચુંગ નગરના ટેકરીની ફરતે ઘુમતા વાંકાચૂંકા રસ્તાઓ પર એક શાંત ડ્રાઇવ દરમિયાન ડો. ઉમેશ શ્રીનિવાસન બૂમ પાડી ઊઠે છે.
થોડે દૂર એક નાનું અને સ્થૂળ રાખોડી બકરી જેવું પ્રાણી રસ્તાની પેલે પાર ટેકરી પરથી નીચે, પૂર્વીય હિમાલયના જંગલોમાં ઝડપભેર ધસી આવતું દેખાય છે.
પશ્ચિમ કામેંગના જંગલોમાં 13 વર્ષથી કામ કરી રહેલા (ગોરલને જોઈ) સ્તબ્ધ થઈ ગયેલા વન્યજીવ જીવવિજ્ઞાની કહે છે, "પહેલાં તમને ક્યારેય આ જોવા ન મળ્યું હોત."
ગ્રે ગોરલ (નેમોર્હેડસ ગોરલ) એ હિમાલયની આજુબાજુ ભૂતાન, ચીન, ઉત્તર ભારત, નેપાળ અને પાકિસ્તાનમાં જોવા મળતી બોવિડ પ્રજાતિ છે. પરંતુ 2008 સુધીમાં નિવાસસ્થાનના નુકસાન અને શિકારને કારણે ઈન્ટરનેશનલ યુનિયન ફોર ધ કન્ઝર્વેશન ઓફ નેચર (આઈયુસીએન) એ તેને "સંકટગ્રસ્ત થવાના આરે ઊભેલ" પ્રાણી તરીકે સૂચિબદ્ધ કર્યું હતું.
ખાસ કરીને હિમાલયના નીચલા વિસ્તાર અને ઉત્તરપૂર્વ ભારતમાં જ્યાં માનવ હાજરી વધુ છે ત્યાં લુપ્તપ્રાય થવાના સંકટનો સામનો કરી રહેલ આ પ્રજાતિઓ વિશે વાત કરતા ઉમેશ કહે છે, "તેઓ હંમેશા જંગલોમાં ઊંડે રહેતા હતા, બહાર આવવામાં ખૂબ ડરતા હતા.”
ગોરલને જોયાના થોડા સમય પછી સિંગચુંગમાં રહેતા ખેડૂત નીમા ત્સેરિંગ મોન્પા અમને ચા આપે છે અને નજરે ચડેલા બીજા કેટલાક પ્રાણીઓની કેટલીક માહિતી પણ આપે છે, તેઓ કહે છે, “થોડા અઠવાડિયા પહેલા મેં ખેતરમાં એક રેડ પાંડા (આઈલરસ ફૂન્જન્સ) જોયું હતું. અહીંથી થોડેક જ દૂર." એક લુપ્તપ્રાય પ્રજાતિ, રેડ પાંડા ચીન, મ્યાનમાર, ભૂતાન, નેપાળ અને ભારતમાં જોવા મળે છે પરંતુ તેની વસ્તીમાં છેલ્લી ત્રણ પેઢીઓમાં 50 ટકાનો ઘટાડો થયો છે અને આઈસીયુએન ચેતવણી આપે છે કે આગામી બે દાયકામાં પરિસ્થિતિ વધુ ખરાબ થવાની ધારણા છે.






















