યુવાનીમાં તેમની આંખોની રોશની વધુ સારી હતી અને તેઓ લાંબા સમય સુધી બેસી શકતાં હતાં, ત્યારે તેઓ માત્ર બેથી ત્રણ દિવસમાં એક સુંદર સિગે તૈયાર કરી દેતાં હતાં. જ્યારે અચાનક કોઈ લગ્ન આવી પડે, ત્યારે અંબિયા કેરોસીનનો દીવો પ્રગટાવીને આખી રાત ‘નકશી સિગે’ ગૂંથતાં હતાં. નકશી અથવા નકશા એટલે કલાત્મક ડિઝાઇન કે સજાવટ. કુશળ મહિલાઓ વિવિધ પ્રકારના સિકે બનાવવા માટે શણના રેસાઓને વળ ચડાવીને, ગૂંથીને અને ગાંઠો વાળીને તૈયાર કરતી હતી.
વધતી જતી ઉંમર અને પીઠના દુખાવાને કારણે, તેઓ હવે લાંબા કલાકો સુધી બેસી શકતાં નથી અને એટલે હવે એક સિકે પૂરો કરવામાં બે મહિના જેટલો સમય લાગી જાય છે.
તેમની ચપળ આંગળીઓએ ગૂંચવાયેલા શણના રેસાઓને સતત વળ ચડાવતા રહેવું પડે છે અને સાથે જ વિવિધ પ્રકારની ગાંઠો બનાવવા માટે ચોટલા જેવી ગૂંથણીમાં રંગબેરંગી દોરા લપેટીને મણકા પરોવવા પડે છે. ‘[આંગળીઓ પર] આનું ઘણું દબાણ આવે છે. જ્યારે હું રેશન લેવા જાઉં છું ત્યારે મારી આંગળીઓ કામ નથી કરતી,’ એમ કહેતાં અંબિયા જણાવે છે કે બાયોમેટ્રિક મશીનો તેમની આંગળીઓની છાપ વાંચવામાં કેવી રીતે નિષ્ફળ જાય છે.
સિકે બનાવવાનું કામ સામાન્ય રીતે યુવાન સ્ત્રીઓ કરતી હોય છે, અને તેઓ કહે છે કે લોકો એવી અપેક્ષા રાખે છે કે આ ઉંમરે તેમણે માત્ર બેસી રહેવું જોઈએ અને શાંતિથી ખાવું-પીવું જોઈએ! આવાં મેણાંટોણાંને અવગણતાં અંબિયા પૂછે છે, “અમી કી ઓગોર બારીત થઈકે ખેયે ઐસી [શું હું એમના ઘરેથી ખાઈને આવી છું]?”
અંબિયા માટે, શણનાં હેંગર બનાવવાં એ માત્ર પૈસા કમાવાનું સાધન નથી; તે તેમનો એક શોખ છે અને જ્યારે તેઓ મોટા સંયુક્ત પરિવારમાં રહેતાં હતાં ત્યારની જૂની યાદો સાથે જોડાયેલું છે. એક ભૂતપૂર્વ સ્થાનિક ન્યાયવિદનાં દીકરી ઉમેરે છે, “મેં મારી માતા, ભાભીઓ અને કાકીઓને જોઈને સિકે વણવાનું શીખ્યું છે. મારા પિતા કલાકો સુધી ત્યાં બેસી રહેતા અને સુંદર ગાંઠો બનતી જોઈને જાણે કોઈ મનોરંજન ચાલી રહ્યું હોય એવો આનંદ માણતા.”
“હવે બધાં મૃત્યુ પામ્યાં છે અને જમીન પણ જતી રહી છે.” તેમના હાથ ગૂંથવાનું બંધ નથી કરતા પરંતુ તેમના ચહેરા પરનું સ્મિત ફિક્કું પડી જાય છે. પરંતુ પછી તરત જ એ સ્મિત પાછું આવે છે જ્યારે તેઓ ઉમેરે છે કે, “જ્યારે લોકો કોઈ મજલિસનું આયોજન કરતા ત્યારે મને રસોઈ બનાવવાનું કહેતા, તેઓ મને ખાસ લગ્નમાં આમંત્રણ આપતા અને એ વાતની ખાતરી કરતા કે હું જ રસોઈ બનાવું.”