“તેની મહત્તમ ગતિ કલાક દીઠ 30 કિલોમીટર છે, પણ તે 27 કિલોમીટરથી વધુ ગતિએ હાંકી શકાતી નથી.”
તેમ છતાં વસીમ કુરેશી ફરી એકવાર તેમનું વાહન ફરી કામ કરતું થયું એ વાતે ખુશ છે. 34 વર્ષના આ વ્યક્તિ કામ પર જવા અને પાછા ફરવા માટે આ મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલનો ઉપયોગ કરે છે.
બાઇક પર સવાર થતા તેઓ મને કહે છે કે વાયરિંગમાં હજી પણ થોડી મુશ્કેલી છે અને બ્રેક લગાવતી વખતે તેમણે સાવચેત રહેવું પડશે. ટ્રાઇસિકલ પર લગાડેલી ખુરશીમાં આરામથી બેઠેલા વસીમ મને સીટ નીચેની બેટરી અને તેની પાછળનું સ્ટોરેજ માટેનું એક નાનું ખાનું બતાવવા નીચે ઝૂકે છે.
વસીમ બાઇક શરુ કરે છે, અને તેઓ હરિયાણાના માંડિખેડામાં તેમના ગામથી એક કિલોમીટરથી પણ ઓછા અંતરે દિલ્હી-અલવર રાષ્ટ્રીય ધોરીમાર્ગની બાજુમાં ઝાડની પાછળ આવેલી તેમની મોબાઇલ રિપેરિંગની નાનકડી દુકાને જવા નીકળે છે. હું તેમની પડોશના બાળકોને તેમની પાછળ દોડતા, હસતા અને તેમની ટ્રાઇસિકલની પાછળના નાના ખાના પર કૂદતા જોઉં છું. તેમને એનો કોઈ વાંધો હોય તેમ લાગતું નથી, તેઓ તેમના હાસ્યમાં જોડાય છે.












