જંગમ ધનલક્ષ્મી કહે છે, “અમારા ગામમાં કે આજુબાજુના ગામમાં કામધંધો બિલકુલ નથી રહ્યો, ખેતીની બધી જ જમીનો માછલીનાં તળાવોમાં ફેરવાઈ ગઈ છે.”
40 વર્ષીય ધનલક્ષ્મી (જે ઉપરના ફોટામાં છે) આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લાના તામીરીસા ગામમાં આવેલા અંકેન્નાગુડેમ નામના દલિત વિસ્તારમાં રહે છે, જ્યાં લગભગ 450 લોકોની વસ્તી છે. તેણી પોતાની 200 રૂપિયાની રોજની મજૂરીમાંથી ચોથા ભાગના પૈસા એટલે કે 50 રૂપિયા, રોજના આશરે 60 કિલોમિટર દૂર ખેતમજૂરીના કામ પર જવા માટે ઓટોરિક્ષામાં મુસાફરી કરવા પાછળ ખર્ચે છે.
ધનલક્ષ્મીના 60 વર્ષીય પડોશી ગંટા સરોજા કહે છે, “આટલી મુસાફરી કર્યા પછી પણ, અમને વર્ષમાં લગભગ 30 દિવસ જ કામ મળે છે – એપ્રિલમાં 10 દિવસ, ઓગસ્ટમાં 10 દિવસ અને ડિસેમ્બરમાં બીજા 10 દિવસ જ્યારે ખેતીની મુખ્ય સીઝન હોય છે.” ગામના લોકો ખેતીના કામમાંથી વાર્ષિક માત્ર 5,000-6,000 રૂપિયા જ કમાઈ શકતા હોવાથી, ઘણા લોકોએ સ્થળાંતર કર્યું છે. સરોજાના અંદાજ પ્રમાણે, “લગભગ 10 વર્ષ પહેલાં, આ ગામમાં 150 પરિવારો રહેતા હતા. હવે, માંડ 60 પરિવારો જ રહ્યા છે. કેટલાક ગુડીવાડા, વિજયવાડા અને હૈદરાબાદ સ્થળાંતર કરી ગયા છે, તો બીજા કેટલાક કામની શોધમાં તેમના સાસરીના ગામોમાં ગયા છે.”
અંકેન્નાગુડેમ નંદીવાડા મંડળમાં આવેલું છે, જેની વસ્તી લગભગ 36,000 છે. માછલીનાં તળાવોમાંથી થતા ઊંચા નફાને કારણે નંદીવાડા આંધ્રપ્રદેશમાં (વિશાખાપટ્ટનમ જિલ્લાના અચ્યુતપુરમ મંડળ પછી) સૌથી વધુ માથાદીઠ આવક ધરાવતો બીજો તાલુકો છે. અહીંની માછલીઓનો ઉપયોગ એક્વા પ્રોસેસિંગ યુનિટમાં થાય છે અને પછી મુખ્યત્વે પૂર્વ એશિયા અને યુરોપના દેશોમાં નિકાસ કરવામાં આવે છે. 2014-15માં, રાજ્યના કેપિટલ રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીના આંકડા અનુસાર, નંદીવાડામાં વાર્ષિક માથાદીઠ આવક 308,371 રૂપિયા હતી, જ્યારે તે જ વર્ષે સમગ્ર કૃષ્ણા જિલ્લાની માથાદીઠ આવક 140,628 રૂપિયા હતી.






