સાતારા જિલ્લાના માણ તાલુકાના મ્હસવડ શહેરના બકરી બજારમાં, વિઠોબા યાદવ તેમની બકરી અને તેના એક મહિનાના બચ્ચા માટે કોઈ ખરીદદારની રાહ જોઈ રહ્યા છે. તેઓ સવારે 7 વાગ્યે પશુઓ સાથે એક શેરિંગ જીપમાં અહીં પહોંચ્યા હતા અને હવે લગભગ 10.30 વાગી ગયા છે.
અહીં એક દૂઝણી બકરીના આશરે 7,000થી 8,000 રૂપિયા મળે છે, પરંતુ 16 કિલોમીટર દૂર વળઈ ગામથી આવેલા 80 વર્ષીય યાદવ તો ફક્ત 3000 રૂપિયામાં પણ તેને વેચવા તૈયાર છે. તેમ છતાં, બકરી હજી વેચાઈ નથી. તેઓ હતાશ થઈને કહે છે, “મને કોઈ ઘરાકી જ ન મળી. કોઈએ આવીને ભાવ સુદ્ધાં ન પૂછ્યો,” અને પોતાના ગામ પાછી જતી જીપ પકડવા માટે ઉતાવળ કરે છે.




